હિંમતનગર નજીક સાબરડેરીથી ગઢોડા માર્ગ પર આવેલા દેવલ ટ્રેડર્સમાં એસ.ઓ.જી પોલીસે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 42 હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. એસ.ઓ.જી દ્વારા જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના આધારે પુરવઠા વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈને તપાસ માટે ગાંધીનગર FSL લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
એસ.ઓ.જીના PI ડી.સી.સાકરિયાએ જણાવ્યા મુજબ, દેવલ ટ્રેડર્સના સંચાલકો પેટ્રોલિયમ પેદાશોમાં અન્ય ઈંધણ માટે વપરાતા કેમિકલોનું મિશ્રણ કરીને તેનું વેચાણ સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં કરી રહ્યા હોવાની શંકા છે. સર્વે નંબર 128ના બ્લોક નંબર 246માં આવેલી આ દુકાનમાંથી મળેલો તમામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. FSL રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.