સાબરકાંઠા જિલ્લામાં વાસી ઉત્તરાયણના દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ પતંગ રસિયાઓએ આનંદ માણ્યો હતો. જોકે, પતંગના દોરાને કારણે 50થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમાં સૌથી વધુ 32 કબૂતર, એક ટીંટોડી, એક હોલો અને એક લેલુનો સમાવેશ થાય છે. હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે પવનની ગતિ મંદ રહી હતી. આખો દિવસ આકાશ વાદળછાયું રહ્યું હતું, જોકે ઠંડીનો ચમકારો ઓછો અનુભવાયો હતો. આગામી દિવસોમાં કમોસમી વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના કરુણા અભિયાન અને સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. પક્ષીઓના રક્ષણ માટે અભિયાન અંતર્ગત 1200 ચકલીના માળા, 500 માટીના કુંડા અને 200થી વધુ ચણ માટેના ચાટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન કોઈ માનવીય અકસ્માત કે ઈજાના બનાવો નોંધાયા નથી, જેના કારણે વહીવટી તંત્રને રાહત રહી હતી. સમગ્ર તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.