પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થયેલી કરુણાંતિકામાં 30 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓએ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મૃત પક્ષીઓની અંતિમયાત્રા યોજી હતી. શહેરમાં ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તાત્કાલિક મદદ માટે હેલ્પલાઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ છતાં, પતંગની દોરીથી ઘવાયેલા 30 પક્ષીઓના મોત થયા હતા.
જીવદયા પ્રેમીઓએ આ મૃત પક્ષીઓની અંતિમયાત્રા રેલવે સ્ટેશનથી ત્રણ દરવાજા સુધી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા હતા. ત્યારબાદ સરસ્વતી નદી કિનારે પક્ષીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના જગાડવાનો અને ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.