અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે આંતરરાજ્ય સરહદ પર મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે અણસોલ ચેકપોસ્ટ પર વહેલી સવારે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતાં બળતણના વેસ્ટ લાકડાની આડમાં છુપાવેલો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી કુલ 8,340 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત ₹12.70 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ડ્રાઇવર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. શામળાજી પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરી લીધો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રતિબંધિત વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પર પોલીસની સતર્કતાને કારણે દારૂની હેરાફેરીનો આ પ્રયાસ નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.