મોડાસામાં બાયપાસ પર આવેલ પેલેટ ચોકડી પાસેથી ભેંસો ભરીને પસાર થઈ રહેલી ટ્રકનો લોકોએ પીછો કરીને ઝડપી ટ્રક ચાલક સહિત ત્રણ શખ્સોને રૂરલ પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે 35 હજારની 7 ભેંસો અને ટ્રક સહિત 5.35 લાખનો મુદ્દામાલ કબજે લઈ કતલખાને લઈ જવાના ઇરાદેથી ટ્રકમાં મરણતોલ હાલતમાં રાખવામાં આવેલી ભેંસોને ઈડર પાંજરાપોળમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.
પેલેટ ચોકડી પર ટ્રક નં. જીજે 31 T 2830ને જાગૃત નાગરિકોએ અટકાવી ટ્રકમાં રસ્સી વડે ખીચોખીચ હાલતમાં બાંધેલી ભેંસો દેખાતાં લોકોએ ટ્રક ચાલક સહિત અન્ય બે શખ્સોને અટકાવ્યા હતા. જાગૃત નાગરિકોએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રકની તલાશી લેતાં તેમાં કતલખાને લઈ જવાના ઇરાદે ઘાસચારો કે પાણી વગર રસ્સીથી બાંધી રાખવામાં આવેલી 35હજારની 7 ભેંસ મળી હતી. આ ઘટનામાં લોકોએ એક શખ્સને મેથીપાક ચખાડ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.પોલીસે આરોપી મૌશિક અયુબભાઈ મુલતાની, અરબાજ આઝાદભાઈ વણઝારા મુલતાની તેમજ અરબાજ યુસુબ મુલતાની તમામ રહે. ચાંદ ટેકરી મોડાસાવિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.