એલસીબી પોલીસે દારૂ સાથે 5,77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો: બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જીલ્લો છે અને આ જીલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના છત્રાલા નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલા જીપડાલાને ઝડપી દારૂ સહીત રૂપિયા 5,77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જો કે જીપડાલા ચાલક ફરાર થઈ ગયો હતો.
બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર છે અને તેના લીધે આ જીલ્લામાંથી વિદેશી દારૂની ખુબ જ મોટા પ્રમાણમાં હેરાફેરી થઇ રહી છે. ત્યારે ડીસા તાલુકાના છત્રાલાથી રાણપુર તરફ એક દારૂ ભરેલી ગાડી આવી રહી હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી.જેથી છત્રાલા ગામ નજીક બનાસકાઠા એલસીબી પીઆઈ એ.વી.દેસાઈની સૂચનાથી એલસીબી ટીમે નાકાબંધી ગોઠવી હતી.
ત્યારે ટીમે પસાર જીપડાલાને અટકાવતા તેનો ચાલક ડાલું મૂકી નાસી છૂટ્યો હતો.પોલીસે જીપડાલાની તલાશી લેતાં તેમાં 1523 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો.જેની કિંમત રૂ.2,77,860 રૂપિયાની થાય છે. પોલીસે આ ઘટનામાં દારૂ સહિત રૂપિયા 3 લાખનું જીપડાલું મળી કુલ રૂ.5,77,860 નો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.