કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન રમખાણોમાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાની હત્યાના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. યુપીના કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન થયેલા રમખાણોમાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાને લગભગ સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. NIA કોર્ટે તમામ 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે તમામ દોષિતોને દોષિત જાહેર કર્યા હતા અને શુક્રવારે સજાની જાહેરાત કરી હતી. 26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી.
વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ યુવા વાહિનીના કાર્યકરો લગભગ 100 મોટરસાઇકલ પર ત્રિરંગો અને ભગવા ઝંડા લઈને નીકળ્યા હતા. આ તિરંગા યાત્રામાં એબીવીપીના કાર્યકર ચંદન ગુપ્તા પણ સામેલ થયા હતા. યાત્રા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવાનો સાથે ઘર્ષણ થયું હતું. આ પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં ચંદન ગુપ્તાને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા બાદ કાસગંજમાં સ્થિતિ ઘણા દિવસો સુધી વણસી હતી. કાસગંજમાં લગભગ એક અઠવાડિયા સુધી રમખાણો થયા.