ત્રણ ડ્રોમાં અંદાજે ૧૦ લાખ કરતાં પણ વધારે ટિકિટો વેચીને લાખો લોકો સાથે છેતરપીંડી : બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રોના નામે છેતરપીંડીનો પર્દાફાશ થતાં જિલ્લામાં આ દુષણ ફેલાવનાર અને વૈભવી જીવન જીવતો અશોક માળી પોલીસથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને ગામમાં ડ્રોના મંડપ પણ ખુલી ગયા છે.તેથી રાજકીય ઓથ ધરાવતા કૌભાંડી અને તેની ગેંગ સામે તપાસ કરવા રજૂઆતોના ચક્રો ગતિમાન થયા છે.
સરહદી જિલ્લામાં લક્કી ડ્રો નામનું દુષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિનો પ્રારંભ થરાદ તાલુકાના મોરથલ ગામના અશોક માળીએ બીજા ચારેક મિત્રોને સાથે લઈને રામદેવ ફાઉન્ડેશનના બેનર હેઠળ અલગ અલગ જગ્યાએ ગૌશાળા અને મંદિર- મઠના નામે ત્રણ ડ્રો કર્યા છે.જેમાં અંદાજે ૧૦ લાખ કરતાં વધારે ટિકિટો વેચવા અલગ અલગ એજન્ટો રાખવામાં આવ્યા હતા દરેક એજન્ટને ટિકિટ દીઠ ૧૦૦ રૂપિયા કમિશન આપવામાં આવતું હતું. લક્કી ડ્રોમાં કેટલી ટિકિટો નાખવાની એનું કોઈ નક્કી નહિ ,કોઈ નિયમ નહીં, જ્યાં સુધી વેચાય ત્યાં સુધી ટિકિટો વેચવાની અને જ્યારે ડ્રોની તારીખ એકદમ નજીક આવી જાય ત્યારે બાકી રહેલી ટિકીટો સસ્તા ભાવમાં આપીને રોકડી કરી લેવાની અને કેટલાક કિસ્સાઓમાં તો મોટા પ્રમાણમાં પોતાના મળતીયાઓની ટિકિટો ડ્રોમાં નાખી દેવાની એટલે જે પણ ઇનામ લાગે છે. એમાં મોટાભાગના ઇનામ એમના જ નામે આવે.
એટલે આવી રીતે લક્કી ડ્રોના નામે અનેક ગેરરીતિઓ કરીને પરોક્ષ રીતે જુગારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું છે એટલે લક્કી ડ્રોના કિંગ તરીકે ઓળખ આપનાર અશોક માળી એન્ડ ગેંગ દ્વારા આજ દિન પૂર્વે જે પણ ત્રણ ડ્રોના આયોજન કરવામાં આવ્યા છે એ દરેક ડ્રોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જેને લઈને સી.આઈ.ડી. તપાસ કરીને બેનામી સંપત્તિ માટે ઇડી પણ કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરે એના માટે અરજદાર દ્વારા ઇડી. ને પણ રજુઆત કરવામાં આવનાર છે.
ઇ.ડી દ્વારા ડ્રોની તપાસ કરવાની માંગ: થરાદ તાલુકાના મોરથલ ગામનો અશોક માળી મંડપનો વ્યવસાય કરે છે જેણે રાજસ્થાનમાંથી આ લક્કી ડ્રોની નકલ કરીને પોતે શોર્ટકટમાં કરોડપતિ થવા માટે ડેડુવા ગામમાં પ્રથમ ડ્રો કર્યો, ત્યારબાદ વાલેર અને દામા- રામપુરા ખાતે કર્યો હતો. જેમાં લાખો ટિકીટો વેચીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. જેની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.તેમ ભોગ બનેલા લોકોએ જણાવ્યું હતુ.
આસ્થાનાના નામે કમાણીનો કીમિયો: બનાસકાંઠા જિલ્લાના થરાદ,લાખણી અને દિયોદર તાલુકાના ગામોમાં લક્કી ડ્રો નામનું દુષણ મોટા પ્રમાણમાં ફેલાઈ ગયું છે જેમાં ભોળા લોકોના આસ્થાના નામે પૈસા વેડફાઈ રહ્યા છે. લક્કી ડ્રોના આયોજકો દ્વારા લાખો ટિકિટો વેચીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે ઘણા બધા લક્કી ડ્રો પુરા થઈ ગયા છે એ તમામની તપાસ હાથ ધરવામાં આવે એના માટે લેખિત રજુઆત કરી છે અને આ લક્કી ડ્રોનું દુષણ ફેલાવનાર અશોક માળી એન્ડ ગેંગની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે જેની પણ રજુઆત કરવામાં આવનાર છે.તેમ અરજદાર ભરત કે.દવેએ જણાવ્યું હતું.