સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંબાજીથી ખેડબ્રહ્મા આવતા રોડ પરની એક કોલેજ નજીકથી ખેડબ્રહ્મા પોલીસે બાતમીને આધારે ઇકોમાં ગાંજો લઇને આવી રહેલ બે જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા બે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. પોલીસે બંનેની અટકાયત કરી તેમની પાસેથી રૂપિયા 40 હજારનો ગાંજો, બે મોબાઇલ અને ઇકો મળી અંદાજે રૂપિયા 1.21 લાખના મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ખેડબ્રહ્મા પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમને એવી બાતમી મળી હતી કે સવારના સુમારે અંબાજીથી ખેડબ્રહ્મા તરફ આવી રહેલ ઇકો નંબર GJ.07.DG.5718 માં બે શખ્સો અંદાજે રૂપિયા 40 હજારની કિંમતનો 3.397 કિ.ગ્રા. ગાંજો લઇને આવી રહ્યા છે. જે આધારે ખેડબ્રહ્મા પોલીસે એક કોલેજ નજીક વોંચ ગોઠવીને બાતમી મુજબની ઇકોને ઝડપી લીધી હતી. ત્યાર બાદ તેમા બેઠેલા નરેશ વિક્રમભાઇ સોલંકી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બન્નેની અટકાયત કરી વધુ તપાસ માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લાવી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.