રોષે ભરાયેલ ખેડૂતોની ઉચ્ચ કક્ષાએ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કે.વી. ની હાઈ ટેન્શન લાઈન ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી હોવાથી લાઈન નાખવામાં આવી છે. શરૂઆતમાં જ્યારે પોલ અને પાવરગ્રેડ લાઈન કંબોઇ – ફતેગઢ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા કંબોઇના ખેડુત દ્વારા બનાસકાઠા જીલ્લા કલેક્ટર તથા ડીસા નાયબ કલેક્ટર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરવામાં આવી છે.વળતર ચુકવવા બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો એ મોટાભાગે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક નુકસાની ભોગવી રહ્યા છે ત્યારે જિલ્લાના ડીસા અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કે.વી.ની હાઈ ટેન્શન લાઈન નાખવામાં આવી છે ખાસ કરીને પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ડીસા તાલુકાના મુડેઠા, ભદ્રામલી, બોડાલ, અને યાવર ગંજ સુધી ખેડૂતોના ખેતરોમાં 765 કેવી હાઈટેન્શન વીજ લાઈન નાખવામાં આવી છે જ્યારે કાંકરેજ વિસ્તારના બુકોલી, ઉંબરી છાપરા ગોળિયા, જમણાપાદર, રાનેર, કંબોઈ, ઉંબરી, માળી ગોળીયા, ઉંબરી, જાળીયા, ફતેગઢ, લક્ષ્મીપુરા અને અરણીવાડા વિસ્તારના ખેડૂતોના ખેતરો માંથી આ વીજ લાઈન પસાર કરવામાં આવી છે પણ હજી સુધી ખેડૂતોને વળતર ચુકવવામાં તંત્ર દ્વારા અખાડા કરવામાં આવે છે. તેથી ખેડૂતોમાં આક્રોશની લાગણી છવાઈ છે.