ડીસાના ધારાસભ્યના ત્રાસથી રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો: ભાજપ શાસિત ડીસા નગર પાલિકામાં શાસક પક્ષના આંતરિક અસંતોષ વચ્ચે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખે રાજીનામું આપ્યું હતું. મહિલા પ્રમુખે પ્રમુખપદ અને સભ્યપદેથી પણ રાજીનામું ધરી દઈ ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી પર ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે.
ભાજપ શાસિત ડીસા નગર પાલિકાના મહિલા પ્રમુખ સંગીતા બેન દવે સામે આંતરિક અસંતોષ ને ભાજપ મોવડી મંડળે તેઓને રાજીનામું આપવાનો આદેશ કર્યો હતો. જોકે, મહિલા પ્રમુખે રાજીનામું ના આપતા 22 નગર સેવકોની સહી સાથે નગર સેવકો એ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. અવિશ્વાસની દરખાસ્ત આવતા પાર્ટીના આદેશને લઈને આજે મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ પાલિકા ના પ્રમુખપદ સહિત પાલિકાના વોર્ડ નં.3 ના સભ્યપદેથી પણ રાજીનામું ધરી દીધું હતું.
પાલનપુર ખાતે કલેકટર કચેરીએ રાજુનામું આપ્યા બાદ તેઓએ ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી અને તેમના મળતીયાઓના ત્રાસથી રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો કરતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક ધારાસભ્ય વિકાસ ના કામોમાં અવરોધરૂપ બનતા હોઇ ડીસાનો વિકાસ ન રૂંધાય તે માટે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું.
આમ, ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પ્રમુખે ધારાસભ્ય સામે સંગીન આક્ષેપો કર્યા બાદ રાજીનામું ધરી દેતા ડીસા ભાજપ માં ચાલતી આંતરિક જૂથબંધી આગામી દિવસોમાં ભાજપ માટે ઘાતક નીવડી શકે તેમ છે.
પાલનપુર-ડીસામાં રાજકીય હત્યા:-બ્રહ્મસમાજ જોકે, સદાયે બ્રહ્મ સમાજ ભાજપની પડખે રહેવા છતાં પહેલા બ્રહ્મ સમાજમાંથી આવતા પાલનપુર પાલિકાના પ્રમુખ હેતલબેન રાવલ બાદ હવે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેનો ભોગ લઇ તેઓની રાજકીય હત્યા કરાઈ હોવાનું જણાવતા સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠાના પ્રમુખ અરુણભાઈ જોશીએ ભાજપ પક્ષ દ્વારા બ્રહ્મ સમાજને થતા અન્યાય સામે ભારે રોષ ઠાલવ્યો હતો.