મૌન રેલીમાં વિવિધ સંસ્થાઓ પણ વિરોધમાં જોડાઈ: ડીસા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા બગીચા સર્કલથી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી.
માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો મામલે ડીસા નાયબ કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને લોક તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ ઉપરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા ને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.
આ પરિસ્થિતિ ખૂબજ ચિંતા જનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમ જનક છે. સરકારની જવાબદારી છે કે, પોતાના નાગરીકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરૂદ્ધમાં ઈસ્કોનમાં પૂજ્ય સંતશ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિ પૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ ઉપર પણ અત્યાચાર કરી પૂજ્ય સંતને પણ ખોટી રીતે જેલમાં પૂરી દીધા છે, જે કૃત્ય પણ અમાનવીય છે.જેમાં સઁગઠન દ્વારા જણાવાયુ છે કે સંત ચિન્મય કૃષ્ણાદાસજીને તાત્કાલીક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે.બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારોને તાત્કાલીક બંધ કરાવવા પિડીતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ હિંદુઓ ઉપર થતા અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો.વગેરે જેવી માંગ સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારી નેહાબેન પંચાલને આવેદનપત્ર પાઠવ્યું હતું.