બાળ તસ્કરીના તાર બનાસકાંઠામાં ત્યજાયેલું બાળક પાલનપુર શિશુગૃહમાં સલામત

બાળ તસ્કરીના તાર બનાસકાંઠામાં ત્યજાયેલું બાળક પાલનપુર શિશુગૃહમાં સલામત

પાટણ બાળ તસ્કરી કેસમાં નવો વળાંક; બાળ તસ્કરીના આરોપીએ મોટા ગામની સીમમાં બાળકને ત્યજી દીધું હતું

પાટણના બાળ તસ્કરી કાંડમાં નવો ખુલાસો થયો છે. જેને લઈને બાળ તસ્કરીના તાર બનાસકાંઠા સુધી જોડાયેલા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દત્તક આપવાના નામે બાળક વેચવાના કૌભાંડમાં થયેલા ખુલાસમાં આરોપીએ ત્યજી દીધેલું બાળક પાલનપુર તાલુકાના મોટા ગામની સીમમાંથી મળી આવ્યું હતું. જે બાળક સારવાર બાદ હાલમાં પાલનપુર શિશુગૃહ માં સુરક્ષિત હોવાના અહેવાલ સાંપડ્યા છે.

પાટણના બાળક તસ્કરી કૌભાંડ માં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે દત્તક આપવાના બહાને વેચી દીધેલું બાળક બીમાર હોવાથી દત્તક લેનારે ડોક્ટરને પરત કરી દીધું હતું. જો કે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે આ બાળકને ગુમ કરી દીધું હતું. હવે આ ગુમ બાળકની ભાળ મળી ગઈ છે. જે અંગે પાટણ પાટણ SP ડો.રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ બાળક નો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો હતો. જે હોસ્પિટલમાંથી રૂપસિંહ નામના કમ્પાઉન્ડરે બાળકનો સોદો કરીને બાળકને લઈને શિલ્પા ઠાકોર અને નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને આપ્યું હતું.

નકલી ડોકટર સુરેશ ઠાકોરે નીરવ મોદી નામના વ્યક્તિને રૂ.1.20 લાખમાં બાળક વેંચ્યું હતું, પરંતુ બાળક બીમાર પડતા નીરવ મોદીએ સુરેશ ઠાકોરને પરત કર્યું હતું. સુરેશ ઠાકોરે નીરવ મોદીને 1.20 લાખમાંથી 30 હજાર રૂપિયા પરત આપ્યાં હતા. જોકે,

નીરવ મોદીએ પરત કરેલા બીમાર બાળકનો નિકાલ કરવા માટે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર સિદ્ધપુર થઈ પાલનપુર-ડીસા હાઇવે પર મોટા ગામ પાસે બિનવરસી હાલતમાં ત્યજી ફરાર થઇ ગયા હતા.

બાળક હાલ પાલનપુરના શિશુગૃહમાં: સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે હાઇવે પર ત્યજેલાં બાળકનો અવાજ આવતા આસપાસના લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી. ત્યાંથી બાળકને પાલનપુરના શિશુગૃહમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળક ત્યાં તંદુરસ્ત છે અને સુરક્ષિત છે.

બાળક બીમાર હોઈ સર્જરી કરાઈ હાલ સ્વસ્થ: બાળ તસ્કરી કાંડના આરોપી સુરેશ ઠાકોરે બાળક નીરવ મોદીને વેચ્યું હતું. પણ બાળક બીમાર હોઈ નીરવ મોદીએ પરત કરતા આરોપીએ તેને મોટા ગામની સીમમાં આજથી છ એક માસ અગાઉ ત્યજી દીધું હતું. જેનો કબજો લઈ ગઢ પોલીસે પાલનપુર સિવિલમાં ખસેડયું હતું. જ્યાં બાળકના મગજમાં પાણી ભરાઈ ગયું હોવાનું નિદાન થતા ન્યુરો સર્જન પાસે ઓપરેશન કરાવ્યા બાદ બાળક હાલ નોર્મલ સ્થિતિમાં પાલનપુર શિશુ ગૃહમાં હોવાનું ચિલ્ડ્રન વેલ્ફર કમિટીના ચેરમેન જયેશભાઇ દવેએ જણાવ્યું હતું.

શિલ્પા ઠાકોરના ઘટસ્ફોટમાં બનાસકાંઠા કનેક્શન ખુલ્યું: પાટણ એસ.ઓ.જી પોલીસે બાળ તસ્કરી કેસમાં શિલ્પા ઠાકોરને પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી અલગ અલગ 6 મુદ્દાઓ  લઈને સાત દિવસના રિમાન્ડની કરી માંગણી હતી. જોકે, પોલીસ પૂછપરછ માં શિલ્પા ઠાકોરે ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં નવજાત બાળક શિલ્પા ઠાકોર થરા ગામના રૂપસંગજી પાસેથી લાવી હોવાની કબુલાત કરી હતી. રૂપસંગ પાસેથી લાવેલ બાળક સુરેશ ઠાકોરે પાટણના નીરવ મોદીને આપ્યું હતું. નીરવ મોદીએ બાળક બીમાર હોઈ પરત આપતા આ બાળકને શિલ્પા અને સુરેશ ઠાકોરે ગઢ પોલીસ સ્ટેશન ની હદમાં ત્યજી દીધું હતું. બાળક ત્યજ્યાં અંગેની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

subscriber

Related Articles