હાઈવે સહિત શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય
ડીસા શહેર અને હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીક સમસ્યા માથાનો દુખાવો બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરમાં અને હાઈવે પર અનેક સર્કલો આવેલ છે જ્યાં ફરજિયાત ટ્રાફીક પોલીસ પોઈન્ટ અને ટીઆરબી જવાનોનો પોઈન્ટ મુકવામાં આવેલ હોવા છતાં કેટલાક સર્કલો પર ટ્રાફીક પોલીસ જવાનો ફરજ પર હાજર જોવા મળતા નથી અને કોઈ ખુણામાં બેસીને ટીઆરબી જવાનો સાથે ગપસપ કરતાં નજરે પડી રહ્યા છે.એટલું જ નહીં, સરકારના આદેશ અનુસાર વાહન ચાલકોને દંડ આપી ટાર્ગેટ પૂરો કરીને સંતોષ માની લેવામાં આવે છે જ્યારે ડીસા હાઈવે પર અને શહેરમાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અંને પાર્કિંગ વગરની બેંકો સહિત આડેધડ વાહનોનું પાર્કિંગ,દુકાનદારોએ દુકાનોની બહાર માલસામાન ગોઠવવાની સાથે સાથે દુકાનોની બહાર મસમોટા ભાડા વસુલ કરી લારીઓ ઉભી રાખી ભાડુ વસુલ કરી ટ્રાફીકની સમસ્યામાં વધારો કરી રહ્યા છે. તેથી જ ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે.
હાઇવે ઉપર પાર્કિંગનો અભાવ: ડીસા હાઈવે પર આવેલ હોસ્પિટલોમાં પાર્કિંગનો અભાવ હોઈ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓના સગા સંબંધીઓ ઓવરબ્રીજ નીચે વાહનો પાર્ક કરી જતાં રહે છે.ખુદ સરકારી અધિકારીઓની ગાડીઓ પણ ઓવરબ્રિજ નીચે પાર્ક કરી ટ્રાફીક સમસ્યા સર્જી રહી છે. જ્યારે હાઈવે પર આવેલ એચડીએફસી બેંક,બેક ઓફ બરોડા સહિત અનેક બેંકોમાં પણ પાર્કિંગના અભાવે બેંકમાં આવતા ગ્રાહકો જાહેર રોડ પર વાહનો પાર્કિંગ કરવા માટે મજબૂર બની રહ્યા છે.
સરકારી નિયમોનું ઉલ્લંઘન: સરકારના નિયમો અનુસાર કોઈ પણ બેંકમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં ન આવે ત્યાં સુધી બેંક ખોલવાની મંજુરી મળતી નથી ત્યારે ડીસા શહેર અને હાઈવે પર કેટલીય બેંકો આવેલ છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કર્યા વિના બેંકો ખોલી દેવામાં આવી છે ત્યારે કોના આશીર્વાદ મળ્યા છે આ બેંકો ખોલવા માટે ? એ પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.