અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા ઘોડાપૂર ઉમટ્યું
શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર્શન કર્યા બાદ ભક્તો માતાજીના આશીર્વાદ પણ લેતા હોય છે. નવા વર્ષના પ્રારંભે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં સવારે છ વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. ભક્તો લાંબી લાંબી લાઈનમાં દર્શન માટે ઉભેલા જોવા મળ્યા હતા. બપોરે 12:00 વાગ્યે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવામાં આવ્યો હતો, ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીને છપ્પનભોગની અલગ અલગ મીઠાઈ અને ફરસાણ ધરાવવામાં આવ્યા હતા. અન્નકૂટ ધરાવ્યા બાદ માતાજીને અન્નકુટ આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે અન્નકુટ ધરાવવામાં આવે છે, જેમાં એક અન્નકૂટ બેસતા વર્ષના દિવસે અને બીજો અન્નકૂટ પોષી પૂનમના દિવસે ધરાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં છપ્પન અલગ અલગ જાતની મીઠાઈ માતાજીને ધરાવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીને બપોરની આરતી પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે ભક્તો માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. ઘણા ભક્તો એવા હતા કે વર્ષની છેલ્લી આરતી પણ અંબાજી ખાતે કરતા હોય છે અને નવા વર્ષની પ્રથમ આરતી પણ અંબાજી ખાતે કરતા હોય છે.