સેવા કેમ્પ દ્વારા કેમ્પના સ્થળે આજથી ૯ વર્ષ પહેલા ૯ વડ વાવ્યા હતા જે આજે વટ વૃક્ષ બન્યા

સેવા કેમ્પ દ્વારા કેમ્પના સ્થળે આજથી ૯ વર્ષ પહેલા ૯ વડ વાવ્યા હતા જે આજે વટ વૃક્ષ બન્યા

શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આગામી ૭ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાઇ રહ્યો છે.મેળાના યાત્રાધામને સાંકળતા માર્ગો પર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે ત્યારે રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે માણસા તાલુકાના વેડા આનંદપુરા ગામના યુવાનો દ્વારા સતલાસણા તાલુકાના ટીંબા(ઘાટું) ખાતે શ્રી વેડાઈ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, નાસ્તાની અને વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે.

માઁ જગદંબાના આશીર્વાદ અને પદયાત્રીઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પ સાથે “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા યાત્રા કરી રહ્યો છે. આ યાત્રાની શરૂઆત માત્ર એક નાનકડા વિચારથી થઈ હતી, જે આજે હજારો પદયાત્રીઓની સેવા થકી વિશાળ વટવૃક્ષ બની છે.

દુર્ગમ વિસ્તારમાં સેવાનો એક અનોખો સંકલ્પ; ગાંધીનગરના માણસા તાલુકાના આનંદપુરા અને વેડા ગામના યુવાનોનો એક સંઘ વર્ષ ૧૯૯૫થી દરવર્ષે વેડાથી અંબાજીની પદયાત્રા પર જતો હતો. પદયાત્રા દરમિયાન આ યુવાનોને હડોલથી ટીંબા વચ્ચેના ૮ કિલોમીટરના દુર્ગમ અને કાચા રસ્તા પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઢોળાવવાળા રસ્તા પર યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પણ નસીબ ન થતું. આ પરિસ્થિતિ જોઈને વર્ષ ૧૯૯૯માં આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો કે આવતા વર્ષથી, એટલે કે વર્ષ ૨૦૦૦થી, તેઓ આ રસ્તા પર યાત્રાળુઓ માટે પીવાના પાણીનો સેવા કેમ્પ શરૂ કરશે. માઁ અંબાને આપેલું આ વચન પૂરું કરવા માટે ગામના યુવાનોએ “માઁ વેડાઈ સેવા કેન્દ્ર”ની સ્થાપના કરીને પદયાત્રીઓની સેવા શરૂ કરી હતી.

સેવા સાથે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમ; આ સેવા કેમ અંગે વાત કરતા વેડા આનંદપુર ગામના ચૌધરી મહેશભાઈ જણાવે છે કે અમે વર્ષ ૨૦૦૦ થી આ જગ્યા પર સેવા કેમ્પની શરૂઆત કરી છે. પાણી અને લીંબુ શરબતથી સેવા શરૂ કરેલા આ સેવા કેમ્પ આજે વિસામો ચા- નાસ્તો સફરજન સહિતની સુવિધાઓ યાત્રાળુઓને આપે છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાલમાં પર્યાવરણના જતન માટે નમો વડનું નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યારે આ સેવા કેમ્પ દ્વારા કેમ્પના સ્થળે આજથી ૯ વર્ષ પહેલા ૯ વડ વાવ્યા હતા જે આજે વટ વૃક્ષ બન્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *