જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક દિનના સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ: આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ દેશભરમાં ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે. બનાસકાંઠાના દાંતા તાલુકાના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે. જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,સભાખંડ પાલનપુર ખાતે પ્રજાસત્તાક દિનના સુચારુ આયોજનને લઈને સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું કે, જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમની ગરીમાભેર ઉજવણી થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવશે. જેમાં શિક્ષણ, આરોગ્ય, વન વિભાગ, ડિઝાસ્ટર, ટ્રાઈબલ, ડી.આર.ડી.એ, આઇ.સી.ડી.એસ વગેરે વિભાગો દ્વારા ટેબ્લો રજૂ કરશે. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે, તથા વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ નાગરિકો તથા અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવશે. કાર્યક્રમમાં પોલીસ પરેડ, એન.સી.સી સ્કાઉટ સહિતના કાર્યક્રમ યોજાશે.