ડીસા તાલુકામાં શનિવારે વરસેલા અનરાધાર 4 ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. શહેરી વિસ્તારોની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે, જ્યારે નીચાણવાળા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી.
તાલુકાના અનેક ગામોમાં વહોળાઓનું પાણી ઘૂસી ગયું છે, અને તળાવો ઓવરફ્લો થતાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોનું વ્યાપક ધોવાણ થવાથી ઊભા પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બાઈવાડા, જેરડા, કંસારી જેવા ગામોમાંથી વહી રહેલો પાણીનો પ્રવાહ શેરપુરા, યાવરપુરા, જાવલ અને દામા તરફના ખેતરોમાં ફંટાતા આ વિસ્તારોમાં પણ મોટા પાયે ધોવાણ થયું છે. પાણીનો પ્રવાહ હજુ પણ ચાલુ હોવાથી પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સેવાઈ રહી છે.
વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, જેનાથી અવરજવર મુશ્કેલ બની છે. ડીસા-ધાનેરા હાઈવે પર પણ પાણી ભરાયેલા હોવાથી વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તેમજ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી છે

