રવિવારે રાત્રે હૈદરાબાદમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. ટોલીચોકીમાં લોકો તણાઈ ગયા હોવાના ફૂટેજ સામે આવ્યા છે. પાણીમાં તણાઈ ગયા બાદ પણ કેટલાક લોકો ગુમ છે. હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં ત્રણ લોકો ગુમ છે. એક વ્યક્તિ નાળામાં તણાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરશીગુટ્ટાનો રહેવાસી સની, જે પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. પરશીગુટ્ટા 44 બસ સ્ટોપ પાસે ભારે વરસાદના પાણીમાં તણાઈ ગયો હતો. પરશીગુટ્ટા ચર્ચ નજીક તેની બાઇક લગભગ અડધો કિલોમીટર દૂર મળી આવી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે મોટા પાયે શોધખોળ કામગીરી શરૂ કરી છે અને નાળાની બાજુમાં આવેલા મેનહોલની તપાસ કરી રહી છે. નામપલ્લી વિસ્તારમાં પણ બે વ્યક્તિઓ નાળામાં તણાઈ ગયા બાદ ગુમ થયાની ઘટના સામે આવી છે. બંનેની ઓળખ 26 વર્ષીય અર્જુન અને 28 વર્ષીય રામા તરીકે થઈ છે. બચાવ ટીમ દ્વારા શોધખોળ કામગીરી ચાલુ છે.
પોલીસે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે અફઝલસાગરમાં પાણીનું સ્તર વધી જવાને કારણે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. “ભારે વરસાદને કારણે બે વ્યક્તિઓ નાળામાં તણાઈ ગયા હતા. શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી,” આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (આસિફ નગર વિભાગ) બી. કિશન કુમારે જણાવ્યું હતું. તેલંગાણા ડેવલપમેન્ટ સ્કીમ સોસાયટીએ જણાવ્યું હતું કે સવારે ૮.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યાની વચ્ચે, મુશીરાબાદના બૌદ્ધ નગર કોમ્યુનિટી હોલમાં સૌથી વધુ ૧૨૪ મીમી વરસાદ પડ્યો હતો, ત્યારબાદ એમસીએચ કોલોની, લાઇબ્રેરી બિલ્ડિંગમાં ૧૧૮.૫ મીમી અને જવાહર નગર કોમ્યુનિટી હોલમાં ૧૧૪.૩ મીમી વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદને કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.

