રાજકીય આક્ષેપો સામે પોલીસની કામગીરીના આંકડા બોલે છે:-એસ.પી. ગૃહ રાજ્ય મંત્રી અને ડીજીપીના આદેશને પગલે પાવરમાં આવેલી બનાસકાંઠા પોલીસે અસામાજિક તત્વો સામે તવાઈ હાથ ધરી છે. છેલ્લા 100 કલાકમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વોના 265 વીજ અને નળ કનેક્શન કાપી 58 દબાણોનો સફાયો કરાયો હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
ગૃહરાજય મંત્રી અને ડીજીપીના આદેશ બાદ જિલ્લાના અનેક અસામાજિક તત્વો કે જેઓ પ્રોહીબિશન, NDPS, શરીર સંબધિત ગુનાઓ, ચોરીના ગુનાઓ ,ક્રિકેટના સટ્ટા,ચોરી જુગાર, ખનીજ ચોરી સહિતના ગુનાઓ સાથે સંકળાયેલા હતા. જેઓની યાદી તૈયાર કરાઈ હતી. અત્યાર સુધી અસામાજિક તત્વોના ગેર કાયદેસર 265 નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. 58 જેટલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવીને તોડી નાખ્યા છે. હજી 583 જેટલી જગ્યાઓને આઇડેન્ટિટીફાઈ કરીને મામલતદારને રિપોર્ટ કરાયો છે. જે પણ ગેરકાયદેસર હશે તો તેને પણ તોડી પડાશે તેવું જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
વિપક્ષના આક્ષેપોનો જવાબ:પોલીસની કામગીરી; પોલીસની કામગીરી સામે વિપક્ષના રાજકીય આક્ષેપોનો જવાબ આપતા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમે રાજકીય આક્ષેપોમાં પડતા નથી. અમારા કામ ઉપર જ ધ્યાન આપીએ છીએ. ત્યારે અમારી પર આક્ષેપો સામેનો જવાબ આપવા માટે પોલીસની બોલતી કામગીરીના આંકડા જ પૂરતો જવાબ આપી રહ્યા છે.
42 હજાર પ્રોહી.કેસ: 105 કરોડનો મુદ્દામાલ જપ્ત; છેલ્લા અઢીથી પોણા ત્રણ વર્ષ દરમિયાન પ્રોહીબિશનના 42 હજાર જેટલા કેસ કર્યા છે. અને 105 કરોડ થી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. રેકોર્ડબ્રેક 986 જેટલા નાસતા ફરતા પ્રોહીબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કર્યા છે. જે આંકડાઓ જ પોલીસની કામગીરી દર્શાવી રહ્યા છે. જે આંકડાઓ જ રાજકીય આક્ષેપો સામે પૂરતા હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.