કાંકરેજના બુકોલી- જમણાપાદરમાંથી પસાર થતી બનાસ નદીમાંથી અનઅધિકૃત રેતી ખનન ઝડપાયું
12 ડમ્પર અને એક હીટાચી મશીન મળી કુલ રૂ.4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો; બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી- જમણાપાદર ગામમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું. જેથી ભૂસ્તર વિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આકસ્મિક રેડ પડી રેતીની ચોરી કરતા એક હીટાચી મશીન અને 12 ડમ્પરને જપ્ત કર્યા છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી જમણાપાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનધિકૃત રીતે રેતીનું ખનન ચાલતું હોવાની ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રજૂઆત કરી હતી. જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાથી એક હિટાચી મશીન તેમજ 12 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા.જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.તેમ ભૂસ્તર વિભાગની ટીમે જણાવ્યું હતું. ટીમના મેગા ઓપરેશનથી રેતી માફીયાઓ ફફડી ઉઠ્યા છે.
રેતી માફીયાઓ સામે કડક કાર્યવાહી કરાશે: ભૂસ્તર શાસ્ત્રી, બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંગ સારસ્વાએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે. ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.તેથી આગામી સમયમાં પણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.