તમિલનાડુના તિરુવન્નામલાઈમાં જાવ્ડુ હિલ્સ નજીક સ્થિત એક મંદિરમાં નવીનીકરણ કાર્ય દરમિયાન 100 થી વધુ પ્રાચીન સોનાના સિક્કા મળી આવ્યા હતા. 3 નવેમ્બરના રોજ પડોશી કોવિલુરમાં શિવ મંદિરમાં મુખ્ય દેવતાના ગર્ભગૃહના નવીનીકરણ કાર્ય દરમિયાન માટીના વાસણમાંથી 103 પ્રાચીન સોનાના સિક્કા મળી આવ્યા હતા. પુરાતત્વ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સિક્કા જપ્ત કર્યા હતા. આ ફક્ત સિક્કા નથી, તે દક્ષિણ ભારતના ચોલ સામ્રાજ્યના ઐતિહાસિક ગૌરવનો જીવંત પુરાવો હોવાનું કહેવાય છે.
હકીકતમાં, પ્રાચીન શિવ મંદિરમાંથી મૂર્તિ કાઢીને બીજી જગ્યાએ સ્થાપિત કરવામાં આવી હતી અને ખોદકામ શરૂ થયું હતું. ખોદકામ કરતી વખતે, કામદારો ખૂબ જ ચમકતી વસ્તુ જોઈને સ્તબ્ધ થઈ ગયા. જ્યારે વધુ ખોદકામ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. પોલુર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, “સોમવારે બાંધકામ દરમિયાન માટીના વાસણમાંથી લગભગ 103 સોનાના સિક્કા મળી આવ્યા હતા.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ મંદિર ઘણી સદીઓ જૂનું છે અને એવું માનવામાં આવે છે કે તે ચોલ સમ્રાટ રાજરાજા ચોલન ત્રીજાના સમયમાં બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મહેસૂલ વિભાગ અને હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ દાન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તેમણે સિક્કાઓને તેમના કબજામાં લીધા હતા. પોલીસે આ સંદર્ભમાં કોઈ કેસ નોંધ્યો નથી.

