સ્ટીયરિંગ કમિટીમાં પાંચ મંત્રીશ્રીઓ તેમજ એક્ઝિક્યુટિવ કમિટિના ચેરમેન તરીકે મુખ્ય સચિવશ્રી
(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર,
‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી અને સમગ્ર કાર્યક્રમના અસરકારક આયોજન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવી છે.
આ અભિયાનની અસરકારક અમલીકરણ માટે બનાવેલી સ્ટિયરિંગ કમિટીમાં પાંચ મંત્રીશ્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેર ડીંડોર, સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી સુશ્રી ભાનુબેન બાબરિયા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીની અધ્યક્ષતામાં એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારના વિવિધ ૧૧ જેટલા વિભાગના ઉચ્ચ સનદી અધિકારીનો સમાવેશ કરાયો છે.
વર્ષ દરમિયાન આ અધિકારીઓએ પોતાના વિભાગ સાથે સંકલન કરીને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન સંદર્ભે વિવિધ કાર્યક્રમો કરવાના રહેશે. આ ૧૧ વિભાગમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ; ગૃહ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ; પ્રવાસન; માહિતી અને પ્રસારણ; સામાન્ય વહીવટ વિભાગ; શિક્ષણ; આરોગ્ય અને પરિવાર કલ્યાણ; ઉદ્યોગ અને ખાણ; મહિલા અને બાળ વિકાસ તેમજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો સમાવેશ થાય છે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ‘ઓબેસિટી મુક્તિ’ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. આ અભિયાનનું મહત્ત્વ સમજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની નેમ વ્યક્ત કરી હતી. જેમાં આવનારા વર્ષમાં રાજ્ય સરકાર ઓબેસિટી સામે લડવાના અભિયાનને વધુ વેગ અપાશે.
મેદસ્વિતા-જાડાપણાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક નાગરિક, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે.
વર્તમાન સમયમાં જીવનશૈલીમાં બદલાવો – જેવા કે, વધુ પડતો સ્ક્રીનટાઇમ, ખોરાક – નિદ્રાના સમયગાળામાં ફેરફાર, શારીરિક કસરત કરતી પ્રવૃત્તિઓમાં ઘટાડો વગેરેને કારણે સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા ધરાવતા અને સરેરાશ વજન કરતા વધારે વજન ધરાવતા લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે ડાયાબિટિસ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, પાચનતંત્રને સંલગ્ન રોગો વગેરે જેવા બિનચેપી રોગના દર્દીઓની સંખ્યા વધી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરેલા આંકડાઓ મુજબ વિશ્વમાં દર આઠ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ મેદસ્વિતા ધરાવે છે. વિશ્વમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો પૈકીના ૪૩ ટકા લોકો સરેરાશ વજન કરતા વધુ વજન ધરાવે છે અને ૧૬ ટકા લોકો મેદસ્વિતા ધરાવે છે.
આયુષ્માન ભારત હેલ્થ વેલનેસ સેન્ટર યોજના હેઠળ, સમગ્ર પ્રાથમિક આરોગ્ય સંભાળ દ્વારા NCDsને નિવારવાના પાસાઓને મજબૂત બનાવાયા છે. જેમાં સામુહિક સ્તરે આરોગ્ય સુખાકારી પ્રવૃત્તિઓ અને લક્ષ આધારીત સંચારને પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે જાહેર જાગૃતિ વધારવા માટેની અન્ય પહેલોમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સામુહિક જાગૃતિ ફેલાવશે.
વૈશ્વિક આરોગ્ય સંસ્થા -WHO એ ઘણા વર્ષોથી વૈશ્વિક મેદસ્વિતા સંકટને અત્યાવશ્યક ગણાવ્યું છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ ગ્લોબલ ન્યુટ્રિશન ટાર્ગેટ્સ, જે બાળપણમાં મેદસ્વિતામાં વધારો ન થાય તેની ખાતરી કરવા માટે અને ૨૦૨૫ સુધીમાં ડાયાબિટીસ અને મેદસ્વિતામાં વધારો અટકાવવાના NCD ટાર્ગેટ્સને WHO સભ્ય રાષ્ટ્રોએ મંજૂરી આપી છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૨માં ૭૫મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દરમિયાન, સભ્ય રાષ્ટ્રોએ મેદસ્વિતાની અટકાયત અને સંચાલન માટે નવી ભલામણો સ્વીકારી, મેદસ્વિતા રોકવા માટે WHOના એક્સિલરેશન પ્લાનને મંજૂરી આપી હતી. આ મંજૂરી પછી, એક્સિલરેશન પ્લાનને જરૂરી વાતાવરણ પુરું પાડી, નીતિઓને સુવ્યવસ્થિત કરવા તથા વિવિધ દેશોમાં અમલીકરણને ટેકો આપ્યો હતો. આ રીતે તેમણે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે જવાબદારી મજબૂત કરવાની પહેલ કરી છે તેમ યાદીમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.