(જી.એન.એસ) તા. 23
નર્મદા/ગાંધીનગર,
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે, ચોમાસાના આગમન પહેલા નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા કેવડિયા કોલોની વિસ્તાર સહિતના સ્થાનિક આદિવાસીઓના મકાનો-દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા તે બાબતે સ્થાનિકો આગેવાનોને સાથે રાખી બેઠક બોલાવીને યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘કેવડિયા કોલોની વિસ્તારના સ્થાનિક આગેવાનોએ તેમના સળગતા પ્રશ્નો અંગે રજૂઆત કરી છે. જેમાં ચોમાસાની ઋતુના એક મહિના પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના મકાનોને તંત્રએ તોડી પાડ્યા છે, તે યોગ્ય નથી. આ સાથે સ્થાનિક આદિવાસી લોકોની રોજગારીને લઈને મને રજૂઆત મળી છે. સમગ્ર મામલે સ્થાનિકોના પ્રશ્નો ઉકેલવા માટે સ્થાનિક આગેવાન સાથે આપના સ્તરે બેઠક બોલાવવા રજૂઆત કરી હતી.’

