(G.N.S) Dt. 17
સુરત,
સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પો.કમિશનર અનુપમસિંહ ગહલૌતના અધ્યક્ષસ્થાને મળી હતી.
પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કમિશનરશ્રીએ શહેરમાં ટ્રાફિક સરળતાથી ચાલે તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સૌ વિભાગના અધિકારીઓએ સક્રિય પણે કામગીરી કરવા જણાવ્યું હતું. કમિશનરએ હાઇવે પર દુરથી જોઈ શકાય તે માટે કેમેરા ૨૫ થી ૩૦ ફુટ ઉચાઈ પર ગોઠવવા, વાહનોમાં મુસાફરો તથા શાળાના બાળકોનું ક્ષમતા કરતા વધુ પરિવહન કરતા હોય તેવા વાન, રિક્ષાચાલકો સામે કંડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પાસોદરા ગામથી નવજીવન હોટલ વરાછા રોડને જોડતા રસ્તા પર ઓવર લોડ વાહનોની અવરજવર રહેતી હોય તથા માટી ભરેલા ટ્રક પર કોઈ પણ કપડું બાંધેલ ન હોય તેવા ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કામગીરી કરવાની સૂચના કમિશનરે આપી હતી.
બેઠકમાં નવા જાહેરનામા મુજબ સ્પીડ લિમિટના ૨૬૨, ભારે વાહનો પર પ્રતિબંધના ૪૯, જાહેરનામાના ૮૨, પાર્કિંગના ૧૬૮ તથા ‘‘તમે સી.સી.ટીવી કેમેરાની નજરમાં છો’’ તેવા ૧૬૮ જેટલા સાઈન બોર્ડ અલગ અલગ ઝોનમાં લગાવવામાં આવ્યા તેમજ શહેરમાં ૨૧૬ જગ્યાએ રીક્ષા પાર્કિંગ માટેના પીળા રંગના પટ્ટા લગાવવાની કામગીરી પુર્ણ થઈ ચુકી હોવાનું હોવાની વિગતો પાલિકાના અધિકારીએ આપી હતી.
આર.ટી.ઓ. અધિકારીએ ડ્રીલ એન્ડ ડ્રાઈવ તથા વધુ સ્પીડે વાહન ચલાવનારા વાહન ચાલકો વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે, ૨૦૨૪ના વર્ષ દરમિયાન ૧૨૩૨ તથા ૨૦૨૫ના વર્ષ દરમિયાન ૨૬૧ વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અન્ય સભ્યોએ કરેલા સુચના મુજબ શહેરમાં જે સ્થળોએ લોકો બી.આર.ટી.એસ. રૂટ પરની ગ્રીલ ઓળંગીને લોકો વધુ અવરજવર કરે છે તેવા સ્થળોએ ગ્રીલની ઉંચાઈ વધારવા કમિશનરે જણાવ્યું હતું. ડોર ટુ ડોર કચરો ઉપાડતા ટેમ્પો ચાલકો પાસે લાયસન્સ ન હોય તેવા ચાલકોને એજન્સી દ્વારા રાખવામાં ન આવે તથા કચરા ગાડીની બહાર કચરો રોડ પર ન પડે તેની તકેદારી લેવા પાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું.
શહેર ટ્રાફિક પોલીસે રોગ સાઈડ તથા ઓવર સ્પીડે વાહન ચલાવનારા ચાલકો વિરૂધ્ધ કરવામાં આવેલી દંડનીય કામગીરીની વિગતો આપી હતી. આ ઉપરાંત, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી દિવસોમાં વધુ ૫૪ સ્થળોને નવા ટ્રાફિક સિગ્નલો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
બેઠકમાં આર.ટી.ઓ, પોલીસ, મનપા, હાઈવે, માહિતી, માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

