સુરતના મોટા વરાછામાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ, 8 જેટલા આરોપીઓની ધરપકડ

સુરતના મોટા વરાછામાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ, 8 જેટલા આરોપીઓની ધરપકડ


સુરત પોલીસને મળી મોટી સફળતા

(જી.એન.એસ) તા. 30

સુરત,

સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનું મોટું રેકેટ ઝડપાયું છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસ ને એક મોટી સફળતા મળી છે જેમાં, ગેમિંગ-ટ્રેડિંગ રેકેટમાં લગભગ 943 કરોડના આર્થિક વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે SOGએ 8 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પકડાયેલો આરોપી નંદલાલ વિઠલભાઈ ગેવરીયા છેલ્લા 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગનું રેકેટ ચલાવતો હતો. તે ઉપરાંત બનાવ સ્થળે છેલ્લા દોઢ વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગનું રેકેટ શરૂ કર્યું હતું. આરોપીએ અલગ અલગ વેબસાઈટ બનાવી હતી અને લોકોને શેર બજારમાં ટ્રેડિંગ કરવાના બહાને ઓનલાઈન ગેમિંગમાં પૈસા રોકાણ કરાવતા હતા. જેમાં ડબ્બા ટ્રેડિંગ દ્વારા વિશ્વમાં ચાલતા ગેમિંગમાં પૈસા રોકાણ કરવામાં આવતા હતા. તેમાં સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ આઈડી ઉપરથી કુલ રૂપિયા 900 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે.

મોટા વરાછાના લજામણી ચોક ખાતે સનરાઈઝ ડેવલપર્સ નામની ઓફિસમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની SOGને માહિતી મળી હતી. જેને લઈને SOGની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં જાણવા મળ્ય હતું કે, કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં SEBIની પરવાનગી વગર Castilo 9 અને Stock grow જેવાં સોફ્ટવેર દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને વિવિધ પ્રતિબંધિત વેબસાઈટ્સ દ્વારા ઓનલાઈન ગેમિંગનો ધંધો ચાલતો હતો. 

આ સમગ્ર ઘટના મામલે પોલીસ જણાવ્યું હતું કે,  કન્સ્ટ્રક્શનની ઓફિસ સનરાઈઝ ડેવલપર્સમાં ગેરકાયદે રીતે NEXON EXCH.COM, PAVANEXCH સહિતની વિવિધ વેબસાઈટ્સ અને સોફ્ટવેર થકી લાઈવ ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ સહિતની અલગ-અલગ ગેમથી સટ્ટો ચલાવવામાં આવતો હતો. આ માધ્યમ પર આરોપીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નફાની લાલચ આપતા અને બ્લેક મનીનું સેટિંગ પણ કરી આપતા હોવાનું સામે આવ્યું છે. આમ ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ દ્વારા 943 કરોડના વ્યવહારો થયા છે. 

જ્યારે 250થી વધુ લોકોએ અત્યારસુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.4.62 કરોડનાં અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ મુખ્ય આરોપી નંદલાલ પર ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની ફરિયાદ થયેલી છે.

સુરત એસઓજી પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરિયા, તેના પિતરાઈ ભાઈ વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરિયા, ભાવેશ જીણાભાઈ કિહલા, જયદીપ કાનજીભાઈ પીપળિયા, નવનીત ચતુરભાઈ ગેવરિયા, ભાવિન અરવિંદભાઈ હીરપરા, બકુલ મગનભાઈ તરસરિયા અને સાહીલ મુકેશભાઈ સુવાગિયાની ધરપકડ કરીને 19 મોબાઈલ ફોન, 4 લેપટોપ, 10 લાખ રોકડ, 31 પાસબુક, 87 ચેકબુક, 13 સિમકાર્ડ સહિત કુલ રૂ.17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *