સિગારેટ ન આપતા યુવકની છરી મારી હત્યા – Gujarati GNS News


સરખેજમાં સાથળમાં છરી મારતા ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં મોત

(જી.એન.એસ),તા.૦૮

અમદાવાદ

અમદાવાદના સરખેજમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલે(7 ડિસેમ્બર) રાત્રે જાવેદ નામનો યુવક એક હોટલ પાસે બેઠો હતો ત્યારે સાજીદ નામના યુવકે તેની પાસે સિગારેટ માંગી હતી. સિગારેટ આપવાની ના પાડતા સાજીદે સાથળના ભાગે છરી મારી દેતા જાવેદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરખેજમાં રહેતો જાવેદ મહીડા નામનો 32 વર્ષીય યુવક રિક્ષા ચલાવે છે. જાવેદ ગઈકાલે રાત્રે રિક્ષા લઈને ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે બેઠો હતો. જાવેદ પાસે સાજીદ નામનો શખસ આવ્યો હતો જેને જાવેદ પાસે સિગારેટ માંગી હતી, પરંતુ જાવેદે આપી નહોતી. બાદમાં સાજીદે છરી બતાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી વધુ ઉગ્ર થતા સાજીદે છરી વડે જાવેદ પર હુમલો કરી દીધો હતો. સાજીદે જાવેદના સાથળના ભાગે છરી મારી દીધી હતી જેથી જાવેદે બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં ઉભેલા હનીફે બંનેને છોડાવ્યા હતા. જાવેદે તેના બનેવીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જાવેદના બનેવી સ્થળ પર પહોચતા જાવેદ લોહીલુહાણ હાલતમાં હતો. જાવેદને તેની જ રિક્ષામાં બેસાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રસ્તામાં જાવેદ સાજીદના નામનું જ રટણ કરી રહ્યો હતો. જાવેદનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવની જાણ થતાં સરખેજ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જાવેદના મોત મામલે સાજીદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. હત્યા બાદ સાજીદ ફરાર થઈ ગયો છે. સાજીદ વિરુદ્ધ અગાઉ મારામારી, હુમલો સહિતના કેટલાક ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ સાજીદની શોધખોળ કરી રહી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *