(G.N.S) Dt. 16
સાવરકુંડલા,
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે લીલીયા તાલુકાના ગામોમાં વિકાસકાર્યોનો પ્રારંભ
ગ્રામ્ય વિકાસ અને પાણી સંરક્ષણ તરફ મહત્વપૂર્ણ પગલું
લીલીયા તાલુકાના બવાડા તેમજ ભેસવડી રૂ.૨૫-૨૫ લાખના ગ્રામ પંચાયત ભવન બનશે
સાવરકુંડલા–લીલીયા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે લીલીયા તાલુકા બવાડા, ભેંસવડી, પૂજાપાદર, ગોઢાવદર ભેંસવડી ગામે પંચાયત ઘર તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…
લીલીયા તાલુકાના બવાડા તેમજ ભેસવડી ગામે રૂ.૨૫ – ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ઘર (સચિવાલય)ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ નવા પંચાયત ઘરથી ગ્રામ પંચાયતના વહીવટી કાર્ય વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે તેમજ ગ્રામજનોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.
આ બવાડા તેમજ ભેસવડી ગામે નવી ગ્રામ સચિવાલય બનવાથી ગામના લોકોને વિવિધ સરકારી કામો માટે સુવિધા મળશે. તેમજ વહીવટી કામગીરી પણ સરળ અને ઝડપી બનશે. ગ્રામ સચિવાલયમાં ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મળશે અને તેઓ યોજનાઓનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, ગ્રામજનો ગ્રામ સચિવાલયમાંથી મહત્વના દસ્તાવેજો પણ મેળવી શકશે. ગ્રામ સચિવાલયની સ્થાપનાથી ગ્રામજનોના સમય અને ખર્ચની બચત થશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે. આ વિકાસ કાર્યથી ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સચિવાલયની સ્થાપના કરવામાં આવશે
લીલીયા તાલુકાના પુંજાપાદર તેમજ ગોઢાવદર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવામાં કામોનું ખાતમૂહર્ત કરવામાં આવ્યુ
ગુજરાત સરકાર દ્વારા પાણી સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવા માટે સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ તળાવો, કૂવો અને નદીઓના ઊંડાણ તથા સફાઈ જેવા કામો કરવામાં આવે છે જેથી વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઈ શકે અને ભૂગર્ભ જળસ્તર વધે.
ગોઢાવદર,પુંજાપાદર ગામે તળાવ ઊંડું ઉતારવાની આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો સંગ્રહ વધશે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે. ખાસ કરીને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાથી ખેતીને મોટો લાભ મળશે અને કૃષિ ઉત્પાદન પણ વધશે. આ ઉપરાંત તળાવમાં પાણીનો સંગ્રહ વધવાથી ગામમાં પાણીની સમસ્યામાં પણ રાહત મળશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સંગ્રહ માટે આવા વિકાસ કાર્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકાર ગામડાઓના વિકાસ તથા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસકાર્યોને લઈને ખુશી વ્યક્ત કરી હતી.

