સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો


સાયબર ફ્રોડ મામલે અમદાવાદ શહેર પોલીસને મળી મોટી સફળતા

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

સાયબર ફ્રોડ મામલે ગુનેગારોને ઝડપી પાડવા મામલે અમદાવાદ પોલીસ ને એક મોટી સફળતા મળી છે જેમાં, શહેરમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી દ્વારા નકલી ઈન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપીને ઈન્કમટેક્સ, રેલવે અને ભારતીય ફૂડ વિભાગ જેવા અલગ-અલગ શાખામાં નોકરી આપવાના બહાને નકલી નિમણૂકોની ઓફર કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. નકલી સરકારી ઓફર લેટર્સથી નોકરી ઈચ્છુક લોકો સાથે છેતરપિંડી કરનારા એક વ્યક્તિને ઝારખંડથી ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ કેસ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, ઝારખંડના ધનબાદના રહેવાસી અમન કુમાર (ઉં.વ.36)એ કથિત રીતે નકલી સરકારી ડોમેન બનાવ્યા હતા અને સરકારી નોકરીઓ આપવાના બહાને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હતી. પોલીસે બાતમીના આધારે આરોપીને ધનબાદથી ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીની આઠ દિવસની કસ્ટડી મેળવી છે.

લોકો સાથે નોકરીની લાલચ આપી સાયબર ફ્રોડ કરનાર આરોપીએ ઝારખંડ સરકારના એક પોલીસ ઇન્સ્પેક્ટરની પુત્રીને ઈન્કમટેક્સમાં નોકરી આપવાના બહાને 9.30 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા તપાસ કરતાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો.

વધુમાં પોલીસ તપાસમાં દરમિયાન અધિકારીઓ ને જાણવા મળ્યું હતું કે, આરોપી અમન કુમારે ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપી હતી અને સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલી એક મહિલા ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ઈન્કમટેક્સ વિભાગના નામવાળી બનાવટી ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કર્યો હતો. જેમાં ફરિયાદીને કર્ણાટક અને ગોવા, બેંગલુરુના મુખ્ય ઈન્કમટેક્સ કમિશનર દ્વારા કથિત રીતે સહી કરાયેલી નકલી નિમણૂક પત્ર મોકલ્યો હતો.

આરોપીએ અન્ય શખસો સાથે મળીને ફરિયાદી સહિતના લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેમાં નોકરી મેળવવા માંગતા લોકોનો સંપર્ક કરીને બેંગલુરુ અને કોલકાતામાં નકલી ઇન્ટરવ્યુ અને ટ્રેનિંગ યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવારો પાસેથી પ્રોસેસિંગ ફી અને વેરિફિકેશન ચાર્જના નામે લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

તેમજ પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો અને ટેલી અને કમ્પ્યુટર એકાઉન્ટિંગનો કોર્સ પૂર્ણ કર્યો હતો. આરોપીએ અલગ-અલગ સરકારી વિભાગોના નકલી ડોમેનનો ઉપયોગ કરીને સાયબર નેટવર્ક ચલાવતો હતો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:-

– incometaxemployeecornerhrms.info

– pwdmaha.info

– indiapostgov.org

– railnetgov.com

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અમનની અગાઉ 2023માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), મુંબઈ દ્વારા નોકરી કૌભાંડ માટે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેણે “રૂપેશ” તરીકે ઓળખ આપી હતી અને કેન્દ્ર સરકારના વિભાગોમાં નોકરી આપવાનું વચન આપીને ઓછામાં ઓછા 14 યુવાનો સાથે છેતરપિંડી કરી હતી. ત્યારબાદ CBIએ ધનબાદ અને પટનામાં દરોડા દરમિયાન નકલી સરકારી સીલ, નિમણૂક પત્રો અને રૂ.14 લાખથી વધુ રોકડ જપ્ત કરી હતી.

આરોપીના નામે 100થી વધુ ફરિયાદ 

CBI કેસમાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ ફરીથી છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તેના બેંક ખાતાઓ સાથે જોડાયેલી 100 થી વધુ ઓનલાઈન ફરિયાદો મળી આવી છે.

આરોપીઓએ આર્થિક રીતે નબળા વ્યક્તિઓના બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં ખાતેદારને છેતરપિંડી કરાયેલા ફંડમાંથી અમુક રકમ કમિશન ચૂકવવામાં આવતી હતી.

સાયબર ક્રાઇમ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આરોપી સરકારની સત્તાવાર વેબસાઈટ જેવી જ વેબસાઈટ માટે નકલી ડોમેન અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. અમારી ટીમો તેના નાણાકીય ટ્રેલ્સ શોધી રહી છે અને રેકેટમાં સામેલ અન્ય સાથીદારોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *