લોકહિતના પાયાના પડતર પ્રશ્નો ઝડપી નિકાલ કરવા મંત્રીની અધિકારીઓને સૂચના
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂતે જિલ્લાના વિકાસના કામો મંજૂર થયાં છે તે પ્રજાલક્ષી વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં ટ્રાફિક, એસટી ડેપો, જમીન માપણી,ઓવરબ્રિજ, ગટર લાઈન, સ્વચ્છતા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે અને ઝડપથી લાભ મળે તે અંગે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓએ વિકાસના કામો કયા સ્ટેજે છે અને કેટલી પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.