સરકારી સેવાઓ હવે આંગળીના ટેરવે, વહીવટમાં પારદર્શિતાનો નવો સૂર્યોદય – Gujarati GNS News


(G.N.S) Dt. 24

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તરફ એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવા અને વહીવટી પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવા માટે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ આવક, જ્ઞાતિના દાખલા અને રેશનકાર્ડ જેવી સૌથી વધુ માંગ ધરાવતી ૨૦ નાગરિક સેવાઓનું સંપૂર્ણપણે ડિજિટલ સરલીકરણ કરવામાં આવ્યું છે.

*વહીવટમાં ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ અભિગમ-
GARC (Gujarat Administrative Reforms Commission) ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે તૈયાર કરાયેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ‘પ્રેઝન્સ-લેસ’ (કચેરીએ ગયા વગર) સેવાઓ પૂરી પાડવાનો છે. રાજ્યમાં વર્ષે અંદાજે ૧.૨૦ કરોડ અરજીઓ મળે છે, જેમાંથી ૭૦% થી વધુ એટલે કે ૮૭ લાખ અરજીઓ માત્ર આ ૨૦ ‘હાઈ-ટ્રાન્ઝેક્શન’ સેવાઓ માટે હોય છે. હવે આ સેવાઓ ઓનલાઈન થવાથી કરોડો નાગરિકોના સમય અને શક્તિની બચત થશે.

પાંચ વિભાગોની ૨૦ મહત્વપૂર્ણ સેવાઓનો સમાવેશ-
પ્રથમ તબક્કામાં પાંચ મુખ્ય વિભાગોની સેવાઓને આધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (૧૧ સેવાઓ): SEBC, SC, ST, EWS અને નોન-ક્રીમી લેયર પ્રમાણપત્રો તેમજ આવકના દાખલા.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (૦૬ સેવાઓ): રેશનકાર્ડમાં નામ ઉમેરવું/કમી કરવું, સુધારો કરવો, અલગ કે નવું રેશનકાર્ડ મેળવવું.

મહેસૂલ વિભાગ: વિવિધ નકલો મેળવવાની વિનંતી (Request for Copy).

કાયદા વિભાગ: તૈયાર સોગંદનામું (Affidavits).

આદિજાતી વિકાસ વિભાગ:- ST જાતિનું પ્રમાણપત્ર.

ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ: શું નવું છે?
આ પહેલ માત્ર ઓનલાઈન ફોર્મ ભરવા પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં અત્યાધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે.

*ડેટા રિયુઝેબિલિટી-
નાગરિકે એકવાર ડેટા એન્ટ્રી કર્યા પછી અન્ય સેવાઓ માટે તેનો ફરી ઉપયોગ કરી શકાશે.

*API અને DigiLocker-
આધાર આધારિત ઓળખ અને ડિજીલોકર ઇન્ટિગ્રેશન દ્વારા દસ્તાવેજોની ચકાસણી ઓનલાઈન જ થઈ જશે, જેથી બિનજરૂરી કાગળો જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

*e-Sign અને વૉટ્સએપ-
પ્રમાણપત્રો પર ડિજિટલ સહી હશે અને નાગરિકોને તે WhatsApp દ્વારા સીધા મોકલવામાં આવશે.

*UPI પેમેન્ટ-
સરકારી ફી ભરવા માટે હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે.

*નાગરિકોને થનારા મુખ્ય લાભો-

  • ઝડપી નિકાલ:વહીવટી સ્તરો (GPR) ઘટવાથી અરજીઓનો નિકાલ ત્વરિત થશે.
  • ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ: માનવીય હસ્તક્ષેપ ઘટતા પારદર્શિતા વધશે.
  • આર્થિક બચત: કચેરીએ જવાના પરિવહન ખર્ચ અને કામકાજના કલાકોની બચત થશે.
  • ચોકસાઈ: સરકારી રેકોર્ડ્સના સીધા જોડાણને કારણે પ્રમાણપત્રોમાં ભૂલોની શક્યતા નહિવત રહેશે.

*ભવિષ્યનું આયોજન-
આ તો માત્ર શરૂઆત છે! રાજ્ય સરકાર આગામી સમયમાં આ પ્લેટફોર્મ પર વધુ સેવાઓ ઉમેરવા જઈ રહી છે. એટલું જ નહીં, વહીવટને વધુ સ્માર્ટ બનાવવા માટે ગુજરાતી ભાષા આધારિત AI મોડલ્સ વિકસાવવાનું પણ આયોજન છે, જે નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત માર્ગદર્શન આપશે.

“સુગમ ડિજિટલ ગુજરાત” એ માત્ર એક પોર્ટલ નથી, પણ રાજ્યના છેવાડાના માનવી સુધી સુશાસન પહોંચાડવાનું સબળ માધ્યમ છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *