(તખુભાઈ સાંડસુર દ્વારા)
દાવોસ,
દુનિયાના સૌથી રમણીય દેશ એવા સ્વીઝર્લેન્ડમાં “માનસ મહામંત્ર”રામકથા પુ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહી છે. આજે આ રામકથા પાંચમા દિવસમાં પ્રવેશ કરીને રામ જન્મ સાથે વિરામ પામી.
પૂ. મોરારિબાપુ એ સુત્રાત્મક વાત કરતા આજે મંત્રોની દિશામાં વધુ એક મંત્ર સાહસ વિશે પોતાનું ચિંતન વ્યક્ત કર્યું. બાપુએ કહ્યું કે સાધક કે કોઈને બાધક થવું ન જોઈએ. બુદ્ધ પુરુષનું સ્મરણ સાંભળવા કરતા વધુ છે. દરેક વ્યક્તિએ છ વખત ક્રોધ ન કરવો જોઈએ. જાગીને,સૂતી વખતે,ભોજન કરતી વખતે, પૂજા કરતી વખતે,કામ પર જતી વખતે અને કામ પરથી પરત આવતી વખતે. આ સમયને આપણે સાચવી લઈએ તો આપણું ઘર એ શાંતિ પૂર્ણ અને મંદિર બની શકે. સાહસ કબીરે તુલસીએ બુદ્ધે,દયાનંદજીએ બધા જ લોકોએ કર્યું છે. સાહસ સત્ય અને શીલ માટે સાધુએ પણ કરવું જોઈએ. જ્ઞાનેશ્વરે સિદ્ધિથી સાહસ કરેલ છે. અને નામદેવે ભક્તિથી સાહસ કર્યું છે.સાહસ અધ્યાત્મ જગતનો મહામંત્ર છે. સાહસની પાછળ સાધના હોય છે. સાહસ સહસા ન કરાય અને જલ્દી ન કરવું જોઈએ. વિશ્વાસથી સાહસી લોકો સાહસ કરી શકે. વિશ્વાસનો કોઈ વિકલ્પ નથી,વિશ્વાસ વિશેષ પ્રકારનું જીવન છે.
આજે કથાના ક્રમમાં બાપુએ પાર્વતીજીની કથા સંભળાવી હતી. દક્ષ કન્યાનું કુંભજ ઋષિના આશ્રમમાં જવું અને રામ બ્રહ્મ છે અને પછી શિવજી પાસે તેના પ્રમાણની માગણી અને આખરે દશરથજીનો પુત્ર કામેષ્ટિ યજ્ઞ અને આ યજ્ઞમાં ત્રણેય મહારાણીઓને પ્રસાદીનું સ્વીકારવું અને આખરે રામ પરબ્રહ્મ, પરમ તત્વના જન્મની આજની કથામાં ગાન કરવામાં આવી હતી.



