(જી.એન.એસ),તા.૨૫
ગાંધીનગર
શહેરના જુદા જુદા સેક્ટરોમાં આવેલા જુદી જુદી કક્ષાના જોખમી આવાસો તબક્કાવાર તોડવાનું કામ શરૂ થયું છે. ગયા વર્ષે સ્ટ્રકચરલ સર્વે હાથ ધરાયો હતો. જેમાં ભયજનક મકાનોની ઓળખ થઈ હતી. હવે આ મકાનો તોડી પાડવાનું કામ ઝડપથી હાથ ધરાયું છે. સર્વેના અંતે જે મકાનો જોખમી જાહેર થયા હતા, તેમાંથી ઘણા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
હવે સેક્ટર- 22 અને 23માં આવેલા છ અને ચ કક્ષાના અંદાજિત 400 આવાસ તોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં ટેન્ડર મંજૂર થયા બાદ આ મકાનો તોડવાની કામગીરી શરૂ કરાશે. હાલની સ્થિતિએ શહેરમાં 1 હજારથી વધુ આવાસ ભયજનક છે જેને તોડવાના બાકી છે.
ગાંધીનગર શહેરમાં દાયકાઓ જૂના સરકારી આવાસો હવે રહેણાંક માટે યોગ્ય રહ્યા નથી. અત્યાર સુધીમાં ત્રણ વખત સર્વે હાથ ધરાયો છે. અગાઉના સર્વેમાં જે મકાનો જોખમી જાહેર થયા હતા, તેમાંના 50 ટકા કરતાં વધુ મકાનો તોડી પાડવામાં આવી ચૂક્યા છે. હવે સેક્ટર 22 અને 23માં પણ આવાસ તોડવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે. આ મકાનો તોડાયા બાદ સરકારી જમીન ખુલ્લી થશે.
કર્મચારીઓ માટે નવા રહેઠાણની વ્યવસ્થા માટે માર્ગ મકાન વિભાગે નવી ટાવર કોલોનીનું નિર્માણ શરૂ કર્યું છે. હાલ અંદાજિત 1400 નવા મકાનો તૈયાર થઈ રહ્યા છે. બીજી તરફ, શહેરના સેક્ટરોમાં હજુ પણ 1 હજાર જેટલા જોખમી મકાનો અસ્તિત્વમાં છે.

