કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મોટું નિવેદન
(જી.એન.એસ) તા. 7
નવી દિલ્હી/અમદાવાદ,
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈ છેડછાડ થઈ નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે AAIBની તપાસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખરેખર શું થયું તે જાણવા માટે દરેકને AAIBના અંતિમ તપાસ અહેવાલની રાહ જોવી પડશે. તેમણે કહ્યું, “તપાસમાં કોઈ છેડછાડ કે કોઈ ગેરરીતિ થઈ નથી. તે ખૂબ જ સ્વચ્છ અને સંપૂર્ણ પ્રક્રિયા છે, જે અમે નિયમો અનુસાર કરી રહ્યા છીએ.”
તેમણે ઉમેર્યું, “અંતિમ અહેવાલમાં થોડો સમય લાગશે. AIB અંતિમ અહેવાલ પર ખૂબ જ પારદર્શક અને સ્વતંત્ર અભ્યાસ કરી રહ્યું છે. અમે તેમના પર ઉતાવળમાં અહેવાલ તૈયાર કરવા માટે દબાણ કરવા માંગતા નથી, તેથી તેઓ જરૂરી સમય લેશે.”
12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન (AI-171) અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગેટવિક જવા માટે ટેકઓફ કર્યું હતું. જોકે, ટેકઓફ કર્યાના થોડા જ સેકન્ડોમાં આ વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને ભારતની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.12 જુલાઈના રોજ પ્રકાશિત થયેલા AAIBના પ્રારંભિક અહેવાલમાં જણાવાયું હતું કે ટેકઓફ થયાની થોડી જ સેકન્ડોમાં વિમાનના બંને એન્જિનનો ઇંધણ પુરવઠો લગભગ એકસાથે બંધ થઈ ગયો હતો. કોકપીટ વોઇસ રેકોર્ડર પરથી એક પાઇલટ બીજાને પૂછી રહ્યો હતો કે સ્વીચ કેમ બંધ કરી?, જેના જવાબમાં બીજા પાઇલટે ના પાડી મેં નથી કરી.
આ પ્રારંભિક અહેવાલના કેટલાક ભાગો મીડિયામાં પ્રકાશિત થવા પર વિવાદ થયો હતો. 22 સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે રિપોર્ટના ભાગોના પ્રકાશન પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આવી “પસંદગીયુક્ત રિપોર્ટિંગ દુર્ભાગ્યપૂર્ણ અને બેજવાબદાર” છે અને મીડિયામાં ખોટી વાર્તા બનાવી શકે છે.ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે AAIB પારદર્શક અને સ્વતંત્ર રીતે તપાસ કરી રહ્યું છે, અને તેઓ ઉતાવળમાં અહેવાલ તૈયાર કરવા માટે કોઈ દબાણ લાવવા માંગતા નથી.

