ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2024-25માં 16 લાખથી વધુ મહિલાઓને મળી ₹2100 કરોડથી વધુની આર્થિક સહાય
(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસનો મંત્ર આપ્યો છે અને દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ મહિલાલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. રાજ્યની વિધવા મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર બને અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે.
ઉલ્લેખનીય છે કે, વધુ ને વધુ વિધવા મહિલાઓને આર્થિક લાભ મળે એ માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા સતત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષમાં જ આ યોજનાના બજેટમાં ખૂબ મોટો લગભગ ₹700 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2024-25માં આ યોજના માટે ₹2362.67 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જેની સામે વર્ષ 2025-26 માં આ યોજના માટે ₹3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, વર્ષ 2024-25 માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 16.49 લાખ વિધવા મહિલાઓને ₹2164.64 કરોડની આર્થિક સહાયની (ફેબ્રુઆરી 2025 સુધીમાં) ચૂકવણી કરવામાં આવી છે, જે મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાથી અમારા બાળકોનું ભણતર સુનિશ્ચિત થયું’
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ સહાય મેળવતા ડાંગના લાભાર્થી દેવ્યાનીબેન પાડવીએ જણાવ્યું હતું કે, “મારા પતિનું અવસાન જુલાઈ 2021માં થયું હતું. એ પછી મને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે જાણ થઈ હતી. આ યોજના હેઠળ મને માસિક ₹1250 મળે છે, જે મને ઘર-ખર્ચમાં મદદરૂપ થાય છે. હું આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ખૂબ-ખૂબ આભાર માનું છું.”
પાટણના રહેવાસી હિનાબેન પટેલ અને નિકિતાબેન પ્રજાપતિએ આ યોજના મારફતે સહાય બદલ ગુજરાત સરકારનો આભાર માનતાં જણાવ્યું હતું કે, “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમારા જીવન માટે આશાનું કિરણ બની છે. આ યોજના હેઠળ મળતી સહાયથી અમને ઘર-ખર્ચમાં તો મદદ થાય છે, સાથે જ તે બાળકોનું શિક્ષણ પણ સુનિશ્ચિત કરે છે.”
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં ઉત્તરોત્તર વધારો
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે ગુજરાત સરકારે બજેટ ફાળવણીમાં ઉત્તરોત્તર વધારો કરીને સંવેદનશીલ અભિગમ દર્શાવ્યો છે. નાણાંકીય વર્ષ 2020-21માં આ યોજના માટેનું બજેટ ₹549.74 હતું, જે 2025-26માં લગભગ 500% વધીને ₹3015 કરોડ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં પણ છેલ્લા પાંચ વર્ષોમાં સતત વધારો થયો છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન આ યોજના હેઠળ બજેટ જોગવાઈ, કુલ ચૂકવણી અને લાભાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે:
નાણાંકીય વર્ષ બજેટ જોગવાઈ (₹ કરોડમાં) ખર્ચ ( ₹ કરોડમાં)લાભાર્થીઓની સંખ્યા
2020-21 549.74 1313.38 8.16 લાખ
2021-22 753.47 1768.86 11.61 લાખ
2022-23 917.02 2156.29 13.62 લાખ
2023-24 1981.76 2297.43 14.97 લાખ
2024-25 (ફેબ્રુર-25)2362.67 2164.64 16.49 લાખ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની હેઠળની જોગવાઈઓ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં આ યોજના હેઠળ વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાય વધારીને ₹1250 કરવામાં આવી હતી, તેમજ આ રકમ લાભાર્થી મહિલાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અગાઉ વિધવા મહિલાનો પુત્ર પુખ્ત વયનો (21 વર્ષ) થતાં ગંગા સ્વરૂપા બહેનોની સહાય બંધ કરવામાં આવતી હતી. આ શરત રદ કરીને હવે ગંગા સ્વરૂપા મહિલાઓને આજીવન આ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.
આ ઉપરાંત, ગ્રામીણ મહિલાઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹47,000થી વધીને ₹1,20,000, જ્યારે શહેરી મહિલાઓ માટે, વાર્ષિક આવક મર્યાદા ₹68,000થી વધીને ₹1,50,000 કરવામાં આવી છે. આના પરિણામે, લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2018-19માં જે લાભાર્થીઓની સંખ્યા 1.64 લાખ હતી, તે ફેબ્રુઆરી-2025 સુધીમાં 16.49 લાખ સુધી પહોંચી છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાતે વિધવા મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત આ કલ્યાણકારી પહેલને વિસ્તૃત કરીને સમગ્ર ભારતમાં મહિલાઓ માટે સશક્તિકરણ, સમાનતા અને પ્રગતિનું એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.