વડોદરા શહેરને રૂ. ૨૦૩ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

વડોદરા શહેરને રૂ. ૨૦૩ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી


(જી.એન.એસ) તા. ૬

વડોદરા,

રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈને વડોદરા મહાનગરપાલિકાના રૂ. ૨૦૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ ડેસર ખાતે આવેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં દીકરીઓ માટે નવી હોસ્ટેલનું પણ શ્રી સંઘવીના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર મહાનગરપાલિકાઓના દરેક વોર્ડમાં નાગરિકોની પાયાની જરૂરિયાતોને સુવિધામાં બદલવા માટે મક્કમ નિર્ધાર સાથે કાર્ય કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં જ્યારે રાજ્યની વસ્તીના આશરે ૬૦ થી ૭૦ ટકા લોકો શહેરોમાં વસતા હશે, ત્યારે તે પૂર્વે જ આયોજનબદ્ધ માળખાગત સુવિધાઓ ઊભી કરવી એ સરકારની પ્રાથમિકતા છે.

શહેરી માળખાગત સુવિધાઓના સુદ્રઢીકરણ અંગે વિગતો આપતા શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરાના નવા ભળેલા વિસ્તારોના વિકાસ માટે બજેટમાં રૂ. ૧૦૦૦ કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. રૂ. ૮૦૦ કરોડ પાણી પુરવઠાની લાઈનો માટે, રૂ. ૭૦૦ કરોડ ડ્રેનેજ નેટવર્ક માટે અને રૂ. ૪૦૦ કરોડ માર્ગોના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા છે. અમૃત ૨.૦ યોજના હેઠળ ભાયલી અને સેવાસી વિસ્તારમાં નવી ઊંચી ટાંકી અને ડિલિવરી નેટવર્કના લોકાર્પણથી પચાસ હજારથી વધુ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ સાથે જ છેલ્લા ત્રણ વર્ષમાં પાણીજન્ય રોગોના પ્રમાણમાં ૫૦ ટકાનો ઘટાડો આવ્યો હોવાનું ગૌરવભેર ઉમેર્યું હતું.

વડોદરાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને વિશ્વસ્તરે ઉજાગર કરવાના આયોજન વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરસાગર તળાવ ખાતે રૂ. ૪૦ કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ ફાઉન્ટેન અને ૩-ડી ડિજિટલ મેપિંગ શો જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, ન્યાય મંદિર પાસે ‘હેરિટેજ સ્ક્વેર’નું નિર્માણ કરી શહેરના ભવ્ય વારસાના જતન સાથે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશ્વામિત્રી નદીના ઉંડીકરણની કામગીરી રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાની ટીમની કામગીરીને બિરદાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, વડોદરા હવે આઈટી, ફિનટેક અને સેમીકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં નવી રોજગારીની ક્ષિતિજો સર કરી રહ્યું છે, જે આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ’ દ્વારા વધુ વેગવંત બનશે.

સ્વચ્છતા અભિયાન અંગે નાગરિકોને પ્રેરક આહ્વાન અને મીઠી ટકોર કરીને શ્રી સંઘવીએ માત્ર ટીકા-ટિપ્પણી નહીં, પરંતુ ગમે ત્યાં કચરો ન ફેંકીને અને જાહેર મિલકતોની જાળવણી કરીને સ્વચ્છતા દૂતોને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર સરકાર કે તંત્રની જ નહીં, પરંતુ જન ભાગીદારીની પણ જવાબદારી છે. તેમણે વડોદરાવાસીઓને ‘સ્વચ્છતા ચેલેન્જ’ આપતા અનુરોધ કર્યો હતો કે, વડોદરાને દેશમાં સ્વચ્છતા ક્રમાંકમાં પ્રથમ ક્રમે લાવવા માટે સૌએ સંકલ્પ લેવો પડશે. તેમણે ઘરના નાના કામોના ઉદાહરણ આપીને સમજાવ્યું કે શહેર ચલાવવું એ કેટલી મોટી જવાબદારી છે.

મેયર શ્રીમતી પિન્કીબેન સોનીએ વડોદરા શહેરે સાધેલા અપ્રતિમ વિકાસનું ગૌરવભેર વર્ણન કરતા જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા વિકાસના નવા આયામો સર કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ વડોદરાના નાગરિકોની સુખાકારી અને જીવનધોરણમાં ગુણાત્મક વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડોદરાનો આ વિકાસ માત્ર માળખાગત નથી, પરંતુ સંપૂર્ણપણે ‘નાગરિક કેન્દ્રિત’ છે, જેમાં છેવાડાના માનવીની સુવિધાનો પણ વિચાર કરવામાં આવ્યો છે.

શહેરના ભવિષ્યલક્ષી આયોજન અંગે વાત કરતા મેયરે ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શહેરી વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા અને નવીન પાણીના સ્ત્રોતો વિકસાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને ‘વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ’ દ્વારા નદીના પુનરોદ્ધાર અને પર્યાવરણના જતન માટે હાથ ધરાયેલી કામગીરી વડોદરાની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવશે. નાગરિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર અને પદાધિકારીઓ ખભેખભા મિલાવીને કાર્યરત હોવાનું તેમણે આ પ્રસંગે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરૂણ મહેશ બાબુએ અતિથિ વિશેષનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની પૂર્વભૂમિકા જણાવી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, શહેર સંગઠનના પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, વડોદરા શહેર-જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિ. પં. ના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, કાઉન્સિલરશ્રીઓ, વડોદરા શહેરના અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *