ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસ થકી વન્યજીવ સંરક્ષણની સાથે લાખો સ્થાનિકોની આવકમાં વધારો થયો છે
(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર/ગીર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચ, 2025 ના રોજ તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરી હતી. તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો તેમજ ઓપન જીપમાં સવાર થઈને કેમેરાથી સિંહોના ફોટા પણ પાડ્યા હતા. વડાપ્રધાનશ્રીની આ મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીની મુલાકાત પહેલાના 20 દિવસમાં ગીરમાં પ્રવાસીઓની સંખ્યા 49,681 હતી, જે તેઓની મુલાકાત પછીના 20 દિવસમાં વધીને 59,009 થઈ ગઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં 18.8% નો વધારો દર્શાવે છે.
વડાપ્રધાનશ્રીની ગીર જંગલ સફારીની મુલાકાતના પગલે પોરબંદર જિલ્લામાં સ્થિત બરડા વન્યજીવ અભયારણ્ય, જે એશિયાઇ સિંહોનું બીજું નિવાસસ્થાન કહેવાય છે, તેમાં પણ હવે પ્રવાસીઓનો રસ જાગૃત થયો છે. તેના કારણે, ફેબ્રુઆરી, 2025ની સરખામણીએ માર્ચ, 2025માં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન બરડા સફારીની મુલાકાતે 108 પ્રવાસીઓ આવ્યા હતા, જેની સામે માર્ચ મહિનામાં 215 પ્રવાસીઓએ બરડા સફારીની મુલાકાત લીધી છે.
અત્યારસુધી જૂનાગઢ સ્થિત ગીર અભયારણ્ય એશિયાઇ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હતું. પોરબંદર જિલ્લામાં આવેલું બરડા વન્યજીવ અભયારણ્ય ગીર સંરક્ષિત વિસ્તાર સાથે આવાસસ્થાનો, ભૌગોલિક ક્ષેત્ર અને ભૂમિપ્રદેશની દ્રષ્ટિએ ખૂબ જ સમાનતા ધરાવે છે. બરડા અભયારણ્ય સિંહ જનીનપૂલના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વનું સ્થળ છે. ઐતિહાસિક રીતે તે સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતું હતું. બરડા અભયારણ્યમાં સિંહોનું જૂથ છેલ્લે 1879માં જોવા મળ્યું હતું. પરંતુ, પછીથી આ વિસ્તારમાં સિંહો લુપ્ત થયા હતા.
સિંહોને તેમના ઐતિહાસિક રહેઠાણોમાં પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યમાં આહારશ્રૃંખલાના પાયાને પુનઃસ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ચિતલ અને સાબરના સંવર્ધન અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સિંહો માટે જરૂરી શિકાર પ્રજાતિઓ છે. આ સંરક્ષણ પ્રયાસોને 19 જાન્યુઆરી, 2023ના રોજ મોટી સફળતા મળી, જ્યારે બરડા વન્યજીવ અભયારણ્યમાં એક નર એશિયાઇ સિંહની હિલચાલ નોંધવામાં આવી. સિંહો એક સદી પછી તેમના ઐતિહાસિક નિવાસસ્થાનમાં પાછા ફર્યા. બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી સ્થાયી થયા પછી તેને સિંહોના ‘સેકન્ડ હોમ’ એટલે કે બીજા નિવાસસ્થાન તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઉભરી આવ્યું છે. આજે બરડા વન્યજીવ અભયારણ્યમાં 17 સિંહો વસવાટ કરે છે, જેમાં 1 નર, 5 માદા સિંહ અને 11 બાળસિંહ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ‘ખૂશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા. ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓને પણ આમંત્રિત કરીને ગીરના સંરક્ષિત ક્ષેત્રની વિઝિબિલિટીમાં વધારો કરવામાં આવ્યો, જેનાથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા પર આવી ગયું.
ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનાથી આ વિસ્તારના ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.