મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો, સુવર્ણ શિખર અને યજ્ઞશાળાના લોકાર્પણ કર્યું
(જી.એન.એસ) તા. 14
ગાંધીનગર/વડનગર,
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશના અલગ અલગ હેરિટેજ સ્થળો, પૌરાણિક-ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો તથા જુદા જુદા મોન્યુમેન્ટ્સની વિરાસત જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ-લોકોને તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહાત્મયથી પરિચિત કરાવવા “વિરાસત ભી, વિકાસ ભી”નો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના આ અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઈટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કર્યો છે.
હાટકેશ્વર મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના પૌરાણિક ઇતિહાસને સુપેરે જાણી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા 5.53 કરોડના ખર્ચે અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય મહોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ તેમજ સુવર્ણ શિખર અને ધ્વજારોહણ તથા નવી નિર્માણ થયેલી યજ્ઞશાળાના લોકાર્પણ કર્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રીશ્રી શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા. તેમજ હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું અને સુવર્ણ શિખરના દાતા પરિવારોને સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતન ભૂમિ વડનગર પુરાતત્વીય અનુભવાત્મક મ્યુઝિયમ, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, થીમ પાર્ક જેવી વિરાસતોને પરિણામે દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
હવે આ આકર્ષણમાં વધુ એક નજરાણું પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવની ગાથા વર્ણવતા અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ઉમેરાયું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતના મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં ગણાતા વડનગર ખાતેના હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ અજોડ છે.
ભગવાન શિવ સ્વયંભૂ રૂપે પાતાળ લોકમાંથી પૃથ્વી પર પ્રગટ થયેલા હાટકેશ્વર મહાદેવના આ મંદિરનું પુરાતન ઇતિહાસ ‘નાગરખંડ’ તથા ‘સ્કંદ પુરાણ’માં પણ ઉલ્લેખિત છે.
નાગર જ્ઞાતિના કુળદેવતા તરીકે જાણીતા હાટકેશ્વર મહાદેવનું આ મંદિર વિશ્વભરમાં આસ્થા માટે આગવું સ્થાન ધરાવે છે.
આ પુરાતન મંદિરની શિલ્પકલા વૈભવમય છે, જ્યાં વિશાળ મંડપ, શિલ્પો દ્વારા દર્શાવાયેલ વિષ્ણુના દશાવતાર તથા પાંડવોના અરણ્યવાસથી સંકળાયેલા શિલ્પો દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચે છે.
આજે પણ દેશ-વિદેશથી નાગર સમુદાય સહિત હજારો ભક્તો દર વર્ષે હાટકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે.
મંદિરની આવી પૌરાણિકતા અને ગૌરવમય વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજાવવા માટે હવે અહીં પ્રવાસન વિભાગ દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ શો ભક્તોને હાટકેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જીવંત રીતે જોડશે અને ભક્તિભાવના સાથે તેમની યાત્રાને વધુ મર્મસ્પર્શી પણ બનાવશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીની આ વતન ભૂમિ આજે દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ વર્ષે 6 લાખ જેટલા લોકો વડનગર ની મુલાકાત લઈને આ નગરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્તા થી પરિચિત થયા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વડનગરનું હાટકેશ્વર મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ધરાવતું રાજ્યનું સાતમું યાત્રા પ્રવાસનધામ બન્યું છે.
રાજ્યમાં સોમનાથ, અંબાજી ,શામળાજી અને મોઢેરા જેવા યાત્રાધામો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના ધોરડો જેવા વિશ્વ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓને આ સ્થળોના ઇતિહાસ અને ભવ્ય ગાથા લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી માણવા મળે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં હવે એ પરંપરા ને આગળ ધપાવતાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વડનગરમાં પણ હાટકેશ્વર મંદિરનો આ લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.
આ લોકાર્પણ અવસરે સામાજિક અગ્રણી શ્રી સોમભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, પ્રવાસન અગ્ર સચિવ શ્રી ડો. રાજેન્દ્ર કુમાર અને પ્રવાસન નિગમના એમ.ડી, સાંસદ શ્રી હરિભાઈ તેમજ ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો, વડનગર નગરપાલિકા પ્રમુખ અને પદાધિકારીઓ તેમજ હાટકેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ, નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.