વડગામ તાલુકાના કોદરામ ગામનો ખેલાડી વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪માં ઝળક્યો

વડગામ તાલુકાના કોદરામ ગામનો ખેલાડી વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪માં ઝળક્યો

ગોળા અને ચક્ર ફેક રમતમાં બે બ્રોન્ઝ મેડલ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું

જિલ્લા કલેકટર મિહિર પટેલએ ખેલાડીનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા

તાજેતરમાં ૧ થી ૭ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ થાઇલેન્ડના નાખોન ખાતે વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪નું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ ગામના ખેલાડી ઠાકોર સિદ્ધરાજજી પ્રવીણજીએ બે અલગ અલગ રમતમાં મેડલ મેળવ્યા હતા. આ ખેલાડીએ ગોળા ફેક રમતમાં બ્રોન્ઝ તથા ચક્ર ફેક રમતમાં પણ બ્રોન્ઝ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે આ ખેલાડીનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા.

વડગામ તાલુકાના કોદરામના આ ખેલાડીએ એફ-૩૭ કેટેગરીમાં આ સિધ્ધિ મેળવી હતી. તેમના કોચ ડૉ.મનસુખ તાવેતિયાના જણાવ્યા અનુસાર આ ખેલાડીએ આ રમતો માટે સખત મહેનત કરી હતી જેનું પરિણામ મેડલ થકી અપાવીને રાજ્ય તથા દેશનું તેમણે ગૌરવ વધાર્યું છે.

અહીં નોંધનીય છે કે, વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુવા ખેલ 23 વર્ષ કે તેથી ઓછી વયના એથ્લીટ્સ માટે દર બે વર્ષે યોજાતો રમતોત્સવ છે. જેમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ રમતો ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રથમ અનુભવ આપે છે. આ ખેલ યુવા એથ્લીટ્સના વિકાસમાં પણ મદદ કરે છે અને પેરાલિમ્પિક મૂવમેન્ટના વિવિધ માર્ગોમાં તેમના વિકાસને પ્રોત્સાહન આપે છે. વિશ્વના વિવિધ દેશોમાં વૈકલ્પિક વાર્ષિક ધોરણે યોજાતા આ અનન્ય ખેલ વાતાવરણ યુવા એથ્લીટ્સને ટીમ-વર્ક અને ખેલાડીઓના અનુભવ સાથે પેરાલિમ્પિક રમતો માટે જરૂરી પડકારો અને શિસ્તનું વ્યાપક જ્ઞાન પ્રદાન કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *