અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : શ્રી આચાર્ય દેવવ્રતજી
ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેનું અંતર શ્રેષ્ઠતાપૂર્વક પાર કરવાનું પ્રશિક્ષણ એ જ સાચી કેળવણી : શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા
(જી.એન.એસ) તા. 27
અમદાવાદ,
રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ, નવી દિલ્હી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયું છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આ રાષ્ટ્રીય સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું કે, અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું.
શિક્ષકોના પ્રશિક્ષણમાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલી રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદના પશ્ચિમ ક્ષેત્રના છ રાજ્યો; છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તથા કેન્દ્ર શાસિત પ્રદેશ; દાદરા, નગર હવેલી, દમણ અને દીવથી પધારેલા શિક્ષણવિદ્, નીતિ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રમાં સૌ પથમ વખત શિક્ષણ ક્ષેત્રે આટલી ગંભીરતાપૂર્વક ચિંતન કરવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ વખતે અનુભૂતિ થઈ છે કે, ભારતની યુવા પેઢીને આપણે અત્યાર સુધી શિક્ષણ નહીં માત્ર માહિતી જ આપી રહ્યા છીએ. આ દિશામાં હવે અત્યંત ગંભીરતાપૂર્વક ચિંતન શરૂ થયું છે તે ભારતનું સૌભાગ્ય છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ શિક્ષક-આચાર્ય છે. 30 વર્ષો સુધી તેમણે બાળકો ભણાવ્યા છે. બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં શિક્ષણવિદ્દોને સંબોધતાં તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ અને વિકસિત ભારત@2047; આ બંને મિશનનો મૂળ ઉદ્દેશ્ય એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે જ્યાં સૌ સુખી અને આનંદિત હોય અને આપણે ભારતના નાગરિકો ગરીમાપૂર્ણ જીવન જીવીએ. સમજદાર એ છે જે જમાના સાથે પોતાની જાતને બદલે છે. આપણે વર્તમાન સમાજની આવશ્યકતા અનુસાર આપણી યુવા પેઢીને તૈયાર કરવાની છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, સમાજની રચનામાં શિક્ષકની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. જો શિક્ષક પોતાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવે, તો તે રાષ્ટ્ર નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે. પરંતુ જો શિક્ષક પોતે જ જ્ઞાનના દીપકની જેમ પ્રકાશિત ન થાય, તો તે બીજાને પ્રકાશ કેવી રીતે આપશે ?
તેમણે કહ્યું કે, જો એક શિક્ષક નશો કરે, ધૂમ્રપાન કરે, અથવા અસત્ય બોલે, તો તેના શિષ્યો તેની પાસેથી શું શીખશે? પ્રખ્યાત માનસશાસ્ત્રી સિગમંડ ફ્રોઈડનું કહેવું છે કે, બાળક ભાષણથી નહીં, પરંતુ અવલોકનથી શીખે છે. તે તેના ગુરુના આચરણ, પહેરવેશ, વાતચીત અને વ્યવહારથી પ્રભાવિત થાય છે. પરંતુ આપણે ઘણીવાર આ વિચારીને ભૂલ કરી બેસીએ છીએ કે બાળક કંઈ સમજી શકતું નથી. હકીકતમાં, બાળકનું મગજ એક કોરા કાગળની જેમ હોય છે, જેમાં જે લખાય, તે ઊંડાઈથી છપાઈ જાય છે. રાષ્ટ્રીય શિક્ષણ શિક્ષા પરિષદએ આવા શિક્ષકોના નિર્માણ માટે એક શક્તિશાળી અભિયાન ચલાવવું જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે શિક્ષક શું શીખવે, કેવી રીતે શીખવે, શું બોલે, શું ખાય, શું વિચારે અને શાનું ચિંતન કરે. જ્યારે આ દિશામાં મજબૂત કાર્ય થશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા આપમેળે શરૂ થઈ જશે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાષ્ટ્રનું નિર્માણ આવનારી પેઢીની વિચારસરણી પરથી નક્કી થાય છે. જો બાળકોનું યોગ્ય રીતે ઘડતર થશે, તો કુટુંબનું નિર્માણ થશે, અને કુટુંબના નિર્માણથી સમાજનું નિર્માણ થશે. અંતે, સમાજના નિર્માણથી એક શક્તિશાળી રાષ્ટ્ર ઉદ્ભવશે, જે વિશ્વ કલ્યાણની દિશામાં આગળ વધશે. આજે આપણે આ મહાન વારસાને ફરીથી સ્થાપિત કરવાનો છે. આપણા સાંસ્કૃતિક મૂલ્યોને સાચવીને આધુનિક વિકાસ તરફ આગળ વધવાનું છે. આપણા પ્રધાનમંત્રીનું ‘વિકસિત ભારત’નું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે, જ્યારે આપણી યુવા પેઢી યોગ્ય, કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે.
ગુજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીએ સૂત્ર આપ્યું છે કે, — ‘સા વિદ્યા યા વિમુક્તયે’, અર્થાત વિદ્યા એ જ સાચી છે, જે માનવને તમામ બંધનોથી મુક્ત કરે અને પરમ સુખ તરફ લઈ જાય. આ સંદર્ભ સાથે શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણે એવી શિક્ષણ પદ્ધતિ વિકસિત કરવી પડશે, જે આપણા રાષ્ટ્રને ફરીથી વિશ્વગુરૂના સ્થાને સ્થાપિત કરે. તેમણે શુભેચ્છાઓ સાથે પરિષદની સફળતાની કામના કરતાં કહ્યું કે, આ વિચાર-મંથન ‘વિકસિત ભારત’ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાશે.
શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય મૂળ સંસ્કૃતિને શિક્ષણ પદ્ધતિથી જોડી રાખવાનું કાર્ય નવી શિક્ષણ નીતિ દ્વારા થવાનું છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી દ્વારા નવી શિક્ષા પદ્ધતિના અમલીકરણ થકી શિક્ષણ સાથે બાળકોને મૂલ્યનિષ્ઠા આપવાનું ભગીરથ કાર્ય કરાયું છે.
રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં ગીતાનો અભ્યાસ દાખલ કરી શિક્ષણનો નવો અધ્યાય શરૂ કરાયો છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું. તેમણે રાષ્ટ્રને શ્રેષ્ઠ નાગરિકો મળે તે માટે આજના સમયમાં ઈચ્છા અને તૃપ્તિનું અંતર શીખવીને ગુરુજનોને શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. રાષ્ટ્રના બાળકની ગળગૂંથીમાં સદભાવના, પ્રેમ, કરુણાથી સુસંસ્કૃત બની તણાવ અને વ્યસનથી દૂર રહે તે દિશામાં શ્રેષ્ઠ શિક્ષા આપી ભારતનો અમૂલ્ય વારસો જાળવી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના અધ્યક્ષ શ્રી પંકજ અરોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આંગણે ગુજરાત વિદ્યાપીઠની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર આ નેશનલ કોન્ક્લેવ યોજી રહ્યા છીએ તે ગૌરવપૂર્ણ બાબત છે. ટીચર્સ એજ્યુકેશન ક્ષેત્રે સિસ્ટમેટિક રિફોર્મ્સ લાવવા માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન પ્રતિબદ્ધ છે. વધુમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત નિર્માણના સંકલ્પને સાકાર કરવામાં અને આવનારી પેઢીના નિર્માણમાં શિક્ષકોનું યોગદાન સૌથી મહત્વનું રહેવાનું છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષકો તૈયાર કરવામાં, દેશમાં ટીચર એજ્યુકેશનના ભાવિને ઉજ્જવળ બનાવવામાં, નવીન ટેકનોલોજીના અર્થપૂર્ણ ઉપયોગ કરવા સાથે ભારતના વારસાને અને ભારતીયતાને જીવંત રાખવા તત્પર શિક્ષકો તૈયાર કરવાની દિશામાં આ કોન્ક્લેવ મહત્વના સૂચનો પૂરા પાડશે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠની ઐતિહાસિક ભૂમિ પરથી ઘણાં રાજપુરુષોએ આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. વર્તમાન કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ગુજરાત વિદ્યાપીઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં નેશનલ એજ્યુકેશન પોલિસી રાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં મહત્વની સાબિત થનાર છે ત્યારે આ કોન્ક્લેવ ટીચર એજ્યુકેશન ક્ષેત્રે સંકળાયેલા વિવિધ પાસાઓ અને પોલિસી મેકિંગમાં પોતાનું મહત્વનું યોગદાન આપશે.
ગુજરાત વિદ્યાપીઠના ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન શ્રી દિપૂબા દેવડાએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં સૌને આવકાર્યા હતા. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના મેમ્બર સેક્રેટરી શ્રીમતી અભિલાષા મિશ્રાએ આ પ્રસંગે આભાર પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં સફાઈકાર્યમાં શ્રમદાન કર્યું હતું તથા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્માણ કરાયેલી બેટરી આધારિત ઇ-સાઇકલનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ્ શ્રી સી.કે.સલુજા, દેશના વિવિધ રાજ્યોમાંથી અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિવિધ વિષય નિષ્ણાતો અને પ્રતિનિધિઓ, શિક્ષકો, પ્રોફેસર્સ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.