રાજ્યમાં 15 વર્ષથી કાયમી PT શિક્ષકની ભરતી નથી થઈ – Gujarati GNS News


શાળાઓમાં PT શિક્ષકોની ભરતીની તૈયારીઓ શરૂ

ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમો, જિલ્લા-વાઇઝ જગ્યાઓ, ઑનલાઇન અરજી પ્રક્રિયા અને પરીક્ષાની રૂપરેખા જાહેર થવાની શક્યતા

(જી.એન.એસ),તા.૧૧

અમદાવાદ

કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળતા જ ગુજરાતના ખેલક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા દાયકાથી વધુ સમયથી શાળા સ્તરે અવગણાયેલું રમતગમત શિક્ષણ હવે રાજ્યની પ્રાથમિકતા બની ગયું છે. લાંબા સમયથી અટકી રહેલી કાયમી સ્પોર્ટ્સ ટીચરની ભરતી માટે સરકાર હવે સક્રિય બની છે અને પ્રાથમિકથી લઈને હાયર સેકન્ડરી શાળાઓમાં રમતગમત શિક્ષકોને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. 

રાજ્યમાં છેલ્લા લગભગ 15 વર્ષથી કોઈ કાયમી PT શિક્ષકની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે હજારો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સ્પોર્ટ્સ શિક્ષણ visiting instructor અથવા સામાન્ય શિક્ષકોના ભાર પર ચાલી રહ્યું છે. પરિણામે વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા વિકાસ, રમતમાં ટેક્નિકલ તાલીમ અને સ્પર્ધાત્મક તૈયારી પર નકારાત્મક અસર થઈ છે. પરંતુ હવે કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રમતગમત નીતિનું પુનઃમૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. શાળા સ્તરથી જ ગ્રાઉન્ડ-લેવલ ટેલેન્ટ ડેવલપમેન્ટને મજબૂત બનાવવાનું રાજ્યનું લક્ષ્ય છે.

આ દિશામાં, સ્કૂલ્સ કમિશનર કચેરીએ તાજેતરમાં વિશેષ કમિટીની બેઠક બોલાવી હતી, જેમાં જગ્યાઓની સંખ્યા, પાત્રતા માપદંડ, બજેટ, ભરતી પ્રક્રિયા અને સમયરેખા જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.સૂત્રોના જણાવ્યા મુજબ, કમિટી હવે સરકારને ભલામણ મોકલવાની તૈયારીમાં છે. તેના આધારે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમો, જિલ્લા-વાઇઝ જગ્યાઓ, ઑનલાઇન અરજી પ્રક્રિયા અને પરીક્ષાની રૂપરેખા જાહેર થવાની શક્યતા છે.

કોમનવેલ્થ ગેમ્સને કારણે રાજ્યમાં ખેલઆધારભૂત માળખું મજબૂત કરવાનો દબાવ વધ્યો છે. સરકાર પણ માને છે કે કેન્દ્રિય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતમાંથી પ્રતિભા ઉદ્ભવવી હોય તો શાળા સ્તરે ટેક્નિકલ સ્પોર્ટ્સ શિક્ષણ મજબૂત કરવું અનિવાર્ય છે. વર્ષો પછી સરકારે આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવતાં શિક્ષણ જગતમાં આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, જેથી લાંબી રાહ જોઈ રહેલા યુવાનોને સ્પોર્ટ્સ શિક્ષક તરીકે સેવા આપવા નવા અવસર મળશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *