રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા ગાંધીનગર ખાતે પ્રથમવાર ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ

રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા ગાંધીનગર ખાતે પ્રથમવાર ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ


(જી.એન.એસ) તા. ૯

ગાંધીનગર,

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિ

વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનશ્રીના “વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭”ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ હતી.

મંત્રી શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષના બેજટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ. ૬૨ હજાર કરોડનું બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ કર્યો છે. નાણાના અભાવે કોઇપણ સંશોધન કાર્ય અટકે નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે સંશોધન થાય છે જેનો સીધો લાભ ખેડૂતો અને દેશના નાગરીકોને થઇ રહ્યો છે, આ દિશામાં આપણી યુનિવર્સિટીઓને પણ કામ કરવું પડશે. કોઈ પણ બિઝનેશ માટે તેને અનુરૂપ ઇકોસિસ્ટમ વિકસાવી જોઈએ તો જ સારૂ પરિણામ મળી શકે. સેમી કંડકટર ક્ષેત્રે ગુજરાત દેશનું હબ બનવા જઈ રહ્યું છે તેની પાછળ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અગત્યની ભૂમિકા ભજવે છે. આ માટે યુનિવર્સિટીઓએ અલગ વ્યવસ્થા વિકસાવવી જોઈએ તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચાલતા આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિત તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને AI આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ જેથી આવનાર પેઢી આ વિષયથી માહિતગાર થઇ શકે. શિક્ષણ ક્ષેત્રે આ બદલાવ કરવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. યુનિવર્સિટીઓને રાજ્યની વિવિધ નીતિઓ સાથે જોડાઈને સમાજ, ઉદ્યોગ અને ટકાઉ વિકાસ માટે જ્ઞાનને ઉપયોગી ઉકેલમાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરવા મંત્રીશ્રીએ આ પ્રસંગે સૌને ઉત્સાહિત કર્યા.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને આ નવીન પહેલ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ આગામી પેઢીના વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટો અને નવીન વિચારકોને ઘડવામાં મહત્વપૂર્ણ પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી છે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા ભજવી રહ્યું છે. શિક્ષણમાં ટેલેન્ટપુલ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેવી શિક્ષણલક્ષી યોજનાઓના પરિણામે કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી અને નવીન પ્રવેશમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમારે કહ્યું હતું કે, રાજ્યમાં ડીપ્લોમાં ટુ ડિગ્રી પોગ્રામમાં બદલાવ આવવાના પરિણામે આ ક્ષેત્રે પ્રવેશમાં વધારો થયો છે. યુનિવર્સિટીઓના માધ્યમથી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઉપર વધુ ભાર મુકવામાં આવશે તો રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતીએ બેઠકની રૂપરેખા આપતા કહ્યું હતું કે, વિકસિત ભારત ૨૦૪૭નું સ્વપ્ન સાકાર કરવા યુનિવર્સિટીઓ મહત્વની ભૂમિકા ભજવે એ સમયની માંગ છે. તેમણે ગ્લોબલ નોલેજ ક્ષેત્રે ગુજરાત-ભારત કેવી રીતે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે તે માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ફોકસ એરિયા-ગોલ રજૂ કર્યા હતા. યુનિવર્સિટીઓને નવીન સંશોધન ક્ષેત્રે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા તમામ પ્રકારની મદદ કરવા સચિવશ્રીએ આ પ્રસંગે ઉમેર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ગુજકોસ્ટના સલાહકાર અને સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહુએ સૌને આવકાર્યા હતા.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં AI સહિતની વિવિધ ટેકનોલોજી ક્ષેત્રે GIL અને GNLU વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા હતા.

વધુમાં આ બેઠકમાં ગુજરાત ઇન્ફોર્મેટીક લિમિટેડ, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ, સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્કયુબેટર, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી વગેરે સંસ્થાઓ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે કરેલી કામગીરી અને તેમાં સંશોધન ક્ષેત્રની સંભાવનાઓ રજૂ કરી હતી.

આ એક દિવસીય વિચારમંથનમાં STEM શિક્ષણ અને ક્ષમતા વિકાસને મજબૂત બનાવવું, સંશોધન અને વિકાસ માટે નવી તકો ઊભી કરવી, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, બુદ્ધિસંપદા અધિકાર (IPR) સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવું, વિજ્ઞાન સંચાર અને જાહેર જોડાણને વિસ્તૃત બનાવવું જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કુલપતિઓએ સંશોધનની ગુણવત્તા વધારવા, વિદ્યાર્થીઓમાં નવીનતા પ્રોત્સાહિત કરવા, ઉદ્યોગ–શૈક્ષણિક સહકાર મજબૂત બનાવવા અને યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી કાર્યક્રમોના અસરકારક અમલીકરણ અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા.

કાર્યક્રમના અંતે તમામ નીતિ નિર્માતાઓ, શૈક્ષણિક આગેવાનો અને સંસ્થાઓએ સંકલ્પ વ્યક્ત કર્યો કે તેઓ મળીને વૈજ્ઞાનિક રીતે સશક્ત યુવાનોનું ઘડતર, સંશોધન શ્રેષ્ઠતાનું સંવર્ધન અને ગુજરાતને વૈશ્વિક વિજ્ઞાન-ટેકનોલોજી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં સક્રિય રીતે કાર્ય કરશે.

આ ઉચ્ચ સ્તરીય વિચારમંથન બેઠકમાં ગુજરાતની રાજ્ય, કેન્દ્રીય, ડીમ્ડ અને ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, વિવિધ સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિજ્ઞાન અને નવીનતા ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *