(જી.એન.એસ) તા. 24
ગાંધીનગર,
વિધાનસભા ગૃહમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની માગણીઓ રજૂ કરતાં મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યમાં પાણી પુરવઠાના માળખાને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના દરેકે દરેક જિલ્લા અને તાલુકામાં જરૂરિયાત મુજબની પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ માટે વિભાગ દ્વારા વિવિધ ચાલું તેમજ નવીન યોજનાઓ અને આયોજનો કરવામાં આવી રહ્યાં છે.
મંત્રીશ્રી બાવળિયાએ રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની કુલ રૂ. ૧૭,૩૬૪.૧૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં રજૂ કરી હતી.
જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે આજે આપણો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં સ્વરાજ્યમાંથી સુરાજ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે વિકાસ માત્ર શહેરો પુરતો સિમિત નહીં પરંતુ છેવાડાનાં માનવી સુધી પહોંચ્યો છે. આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રીશ્રીનાં ‘વિકસીત ભારત-૨૦૪૭’ નાં સંકલ્પને સાકાર કરવા, રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. ગુજરાત દેશનું એવું રાજ્ય છે કે, જેણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ ને અનુરૂપ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે, અને તે મુજબ વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ‘વિકસીત ગુજરાત’ તરફ આગળ વધી રહ્યું છે.
મંત્રી શ્રી કુંવરજીભાઈએ કહ્યું કે આપણું રાજ્ય ભૂતકાળમાં સામાન્ય રીતે અછત અને અર્ધઅછતવાળું રાજ્ય રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના શાસનની ધુરા સંભાળી ત્યારે પાણીના પ્રશ્નને ટોચ અગ્રતા આપી અનેક યોજનાઓ થકી રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચે તે માટે ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે. જેના પરિણામે દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો છે. હાલમાં જળસંચય બાબતે ઉત્તર ગુજરાત માટે સુજલામ્ સુફલામ્ યોજના, સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, કચ્છ વિસ્તાર માટે નર્મદાના વધારાના વહી જતા પૂરના પાણીમાંથી એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાની યોજના, અટલ ભૂજલ યોજના, ઉપરાંત નાની મોટી અનેક યોજનાઓ કાર્યરત છે.
મંત્રીશ્રીએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજનાઓના ઝડપી અમલીકરણ થકી ઉનાળાનાં દિવસોમાં પણ ગુજરાતની જનતાને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર સતત કરી રહી છે. જળવ્યવસ્થાપન ક્ષેત્રે ઇન્ટ્રા બેઝિન ટ્રાન્સફર હેઠળ, સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને ટ્રાયબલ વિસ્તારમાં મોટી પાઇપલાઇનો તેમજ વનબંધુ કલ્યાણ યોજના થકી નોંધપાત્ર અને અપેક્ષિત પરિણામ મળ્યા છે અને ખેત ઉત્પાદનમાં મોટા પાયે વૃધ્ધિ થઈ છે. આજે પાંચમાં ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ અંતર્ગત ગુજરાતે ત્રીજુ સ્થાન મેળવેલ છે અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા દિલ્હી ખાતે પુરસ્કાર એનાયત થયું છે, એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઈએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં સૌની યોજના માટે રૂ. ૮૧૩ કરોડ, સુજલામ્ સુફલામ્ પાઇપલાઇન યોજના માટે રૂ.૧૩૩૪ કરોડ તથા કચ્છની યોજના માટે રૂ.૧૪૦૦ કરોડની જોગવાઇ કરીને દરિયામાં વહી જતા નર્મદાના જળને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવાની, યોજનાઓને આગળ ધપાવવામાં આવી રહી છે.
વિસ્તાર પ્રમાણે સિંચાઈની વિગત રજૂ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના એક મિલીયન એકર ફીટ પાણીથી, સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયો જોડવા માટેની સૌની યોજનામાં ત્રણ ફેઝની કામગીરી પૈકી ફેઝ-૧ અને ફેઝ-૨ પુર્ણ થઈ ગઈ છે અને ફેઝ-૩ ની કામગીરી પૂર્ણતાના આરે છે, આ કામગીરી પૂર્ણ થયે ૮,૨૫,૦૦૦ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ થશે તેમજ સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે.
સૌની યોજના હેઠળ રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધારી જળાશયને અંદાજિત રૂ. ૧૮૧ કરોડના ખર્ચે જોડવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી આશરે ૬,૦૦૦ હેક્ટર ખેતીની જમીનને સિંચાઇનો લાભ મળશે. વિંછીયા, જસદણ અને ચોટીલા તાલુકાના આશરે ૩,૫૦૦થી વઘુ ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ૧૧ ગામો, સૌની યોજનાની પાઇપલાઇનથી જોડવાની રૂ ૫૪.૫૪ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેના દ્વારા ૪૦૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ પુરો પાડી શકાશે.
સૌની યોજના મારફત સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ૨૫ ગામો, વઢવાણ તાલુકાના ૬ ગામો અને ઘાંગધ્રા તાલુકાના ૧૪ ગામો આમ કુલ મળીને ૪૫ ગામોને સિંચાઇનો લાભ આપવા માટેની રૂ. ૨૯૩ કરોડની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જેના દ્વારા ૩,૦૫૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ પુરો પાડી શકાશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬ માટે સૌની યોજનામાં બાકી રહેતી કામગીરી માટે રૂ.૮૧૩ કરોડની જોગવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્ષાર પ્રવેશ નિવારણની કામગીરી માટે રૂ. ૮૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ જળ સિંચઈની વિવિધ કામગીરી માટે રૂ. ૧૯૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અંદાજે રૂ. ૧૩૧ કરોડના ૧૦૦ ચેકડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અંદાજે ૩,૯૦૦ હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ થશે તેમજ અંદાજે રૂ. ૧૦૩ કરોડના ચાર નવિન વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા ૧૯ ગામોના અંદાજે ૧૫,૦૦૦ હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ અને ૧૦૦ એમ.સી.એફ.ટી. જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થશે. આ ઉપરાંત વર્ષોથી પૂરની સમસ્યાથી ત્રસ્ત ઘેડ વિસ્તાર માટે નદીઓ-વોંકળાની સફાઇ અને ઉંડા પહોળા કરવા અને નદી-વોંકળાના પાળા મજબૂતીકરણ અને પુર નિકાલની કામગીરી તેમજ નદીઓ સાફ કરવા માટે રૂ. ૧૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં જળસંચયની કામગીરી વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ ઉત્તર ગુજરાતના નર્મદાના પાણીના લાભથી વંચિત રહેલ બનાસકાંઠા જીલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકાઓના ગામો માટે નવીન બે પાઈપલાઈન યોજનાઓની રૂ. ૨,૨૧૩ કરોડની કામગીરી માટે રૂ. ૬૬૫ કરોડની જોગવાઈ, આ યોજનાઓ થકી ૩૨,૦૦૦ હેકટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે લાભ થશે. બનાસકાંઠાના વડગામ તાલુકાના કરમાવત તળાવને, પાઇપલાઇનથી જોડાણ માટેની પ્રગતિ હેઠળની રૂ. ૬૫૦ કરોડની કામગીરી સામે રૂ. ૪૦૦ કરોડની જોગવાઈ, સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજ અંતર્ગત કુલ ૧૪ બેરેજ બાંધી જળ સંગ્રહ તેમજ ભુગર્ભ જળના રીચાર્જની મોટી યોજના રાજ્ય સરકારે હાથ ધરી છે. જે પૈકી પાંચ બેરેજની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે ગાંધીનગર જિલ્લાના અંબોડ ખાતે રૂ. ૧૯૦ કરોડના ખર્ચે અને મહેસાણા જીલ્લાના ફતેપુરા ખાતે અંદાજીત રૂ. ૨૧૦ કરોડના ખર્ચે બેરેજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત અન્ય રૂ. ૧,૨૦૦ કરોડના અંદાજીત ખર્ચે છ બેરેજો હાલમાં આયોજન હેઠળ છે. જેના માટે કુલ રૂ. ૭૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તદ્પરાંત મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ માટેની અંદાજીત રૂ. ૨૫૧ કરોડની કામગીરી માટે રૂ. ૬૨ કરોડની જોગવાઈ કરાઈ છે, જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાને પૂરક સિંચાઇનો લાભ મળશે. ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની અંદાજીત રૂ. ૧,૦૭૯ કરોડની કામગીરી માટે રૂ. ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર ગીફટસીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશન અને રીવરફ્રન્ટ ડેવલપમેન્ટની અંદાજીત રૂ. ૬૩૬ કરોડની કામગીરી માટે રૂ. ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કચ્છ વિસ્તાર વિશે વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી ૧ મીલીયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો રૂ. ૪,૧૧૮ કરોડના ખર્ચે તથા બીજા તબક્કે બે પાઈપલાઈન યોજનાના રૂ. ૨,૩૦૬.૩૯ કરોડના ખર્ચે કામો પ્રગતિ હેઠળ છે. જેનાથી કુલ મળીને ૭૯ જેટલા ડેમોમાં નર્મદાનું પુરનુ વધારાનું પાણી પહોંચાડાશે, જેથી ૧૩૦ ગામના ૧,૭૨,૪૧૧ હેકટર વિસ્તારને સિંચાઇના લાભ મળશે. આ કામો માટે બજેટમાં રૂ. ૧,૪૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત અટલ ભૂજલ યોજના અંતર્ગત કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરે જળસંગ્રહના કામો માટે રૂ. ૬૮ કરોડની જોગવાઈ કરાઈ છે.
મધ્ય ગુજરાતમાં જળસંચયની સુવિધાઓ વિશે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું કે અંદાજિત રૂ. ૪૫૬ કરોડના ખર્ચની મહી નદી ઉપર પોઇચા ગામ પાસે વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અંદાજિત રૂ. ૭૯૪ કરોડના ખર્ચની કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના, સિંચાઇથી વંચિત વિસ્તારમાં વણાકબોરી વીયર આધારીત ઉદ્વહન સિંચાઇ યોજનાઓની, કામગીરી માટે રૂ. ૨૦૫.૫૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે રૂ.૧૯૬ કરોડના ખર્ચની હાથમતી અને વાત્રક જળાશય આધારિત ઉદ્વહન સિંચાઇ યોજનાઓ માટે રૂ. ૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વાત્રક અને ખારી નદી ઉપર સીરીઝ ઓફ ચેકડેમ તેમજ માજમ નદી પર બે, વારાંણસી, મોહર, વાત્રક નદી અને લોકલ કોતર એમ કુલ મળીને આઠ ચેકડેમ પંચમહાલ જિલ્લામાં આવેલ નદી અને લોકલ કોતર ઉપર મળી કુલ આઠ નવીન ચેકડેમ આમ કુલ રૂ. ૯૬.૩૬ કરોડની કામગીરી માટે રૂ. ૫૬.૬૯ કરોડની જોગવાઈ કરાઈ છે, જેના થકી સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લાના કુલ મળીને ૧,૧૪૮ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે. તાજેતરમાં વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે પૂરના પાણી વડોદરા શહેરમાં ભરાવવાની સમસ્યા ઉદ્ભવી હતી, જે અન્વાયે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરના પ્રશ્નો બાબતે પૂર નિયંત્રણ અન્વવયેની તબક્કાવાર કામગીરી હાથ ધરવા માટે અંદાજીત રૂ. ૨,૭૫૦ કરોડની રકમના કામો છ તબ્બકામાં શરુ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં પ્રગતિ હેઠળના કામે વિશે જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં અંદાજિત રૂ. ૨૫૦ કરોડના ખર્ચની વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર માટે રૂ.૩૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રગતિ હેઠળની નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે અંદાજિત રૂ. ૧૧૦ કરોડના ખર્ચની પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર માટે રૂ. ૩૬ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ સિંચાઇ સુવિધા વિશે મંત્રીશ્રીએ કહ્યું કે રૂ. ૫,૪૩૬ કરોડના ખર્ચે ૧૮ મોટી ઉદ્વહન સિંચાઇ યોજનાઓ હાથ ધરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી ૯ યોજનાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ૯ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો-બેરેજો-વિયર બનાવવા માટે રૂ. ૩૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અંદાજે રૂ. ૬૫૧ કરોડના ખર્ચની તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકામાં તાપી નદી આધારીત બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાની કામગીરી માટે રૂ. ૧૦૦ કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે અંદાજીત રૂ. ૪૧૫ કરોડના ખર્ચની સુરત જિલ્લાના, માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા, ઉદવહન પાઇપલાઇન યોજનાની કામગીરી માટે રૂ. ૧૦૦ કરોડની બજેટ જોગવાઇ પ્રગતિ હેઠળની અંદાજિત રૂ. ૭૧૧ કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે, જેનાથી સુરત અને નર્મદા જિલ્લામાં સિંચાઇનો લાભ થશે. પ્રગતિ હેઠળની સુખી સિંચાઇ યોજનાની, જમણા કાંઠા મુખ્ય નહેર તથા ખોડસલ અને છાનતલાવડી ડિસ્ટ્રીબ્યુટરી નહેર તેમજ આયોજન હેઠળની જબુગામ ડિસ્ટ્રીબ્યુટરી તથા તેની માઇનોર કેનાલની મરામત અને આધુનિકરણના કામગીરી માટે રૂ. ૧૦૭ કરોડની જોગવાઇ તેમજ ડાબા કાંઠા મુખ્ય નહેર માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે.
મંત્રીશ્રીએ કહ્યું કે પનીરવેલ તળાવની કામગીરી તાજેતરમાં પૂર્ણ થઇ છે અને અંદાજીત રૂ. ૭૯ કરોડના ખર્ચથી કનેવાલ તળાવ ડિપનીંગ કામગીરી માટે રૂ. ૭૯ કરોડની જોગવાઈ કરાઈ છે. અંદાજિત રૂ.૧૩૨ કરોડના ખર્ચથી વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના ૨૨ ગામોના ૪૧ વોટર બોડીને ઉદ્વહન મારફતે ભરી આશરે ૧,૯૫૦ હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે. જે માટે વર્ષે ૨૦૨૫-૨૬ માટે ૮૦ કરોડની જોગવાઈ કરી પૂર્ણ કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રગતિ હેઠળની અંદાજિત રૂ.૨૮૦ કરોડના ખર્ચની પંચમહાલ જિલ્લાની પાનમ જળાશય આધારિત, ઉદ્વહન સિંચાઈ યોજના ચાલુ વર્ષે પૂર્ણ કરવામાં આવનાર છે, જેનાથી પંચમહાલ જિલ્લાના ૮૫ ગામના ૧૨૬ તળાવોને આવરી લઈ, કુલ ૩૫,૦૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવાની યોજના કાર્યન્વીત કરવામાં આવશે. હાથમતી, હરણાવ, પનારી અને સાઇ નદી ઉપર સીરીઝ ઓફ ચેકડેમ માજમ અને વાત્રક નદી પર બે, ઓરસંગ નદી પર છ, કરા, હેરણ અને સાપણ નદી પર ચાર ચેકડેમ તેમજ દાહોદ જિલ્લાના નદી અને લોકલ કોતર ઉપર મળી કુલ-પાંચ નવીન ચેકડેમ એમ મળીને કુલ રૂ. ૫૫.૭૬ કરોડની કામગીરી માટે રૂ. ૩૫.૩૦ કરોડની જોગવાઈ કરાઇ છે, જેના થકી સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના કુલ મળીને ૧૦૨૨ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં જળસ્રોતના સંગ્રહનો વ્યાપ વધારવા છેલ્લા ૭ વર્ષથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જળ સંચયમાં વધારો થાય તેવા કામો લોકભાગીદારીથી હાથ ધરવામાં આવે છે. જે અન્વયે કુલ ૧,૦૭,૬૦૮ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી, તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના ૩૬,૯૭૩ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૨૪,૦૬૬ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૬૪૨૨ કામો કરવામાં આવેલ છે. કુલ ૬૬,૨૧૩ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવેલ છે.
ચાલુ વર્ષે ભારત સરકારના માનનીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘સુજલામ સુફલામ જળ અભિયાન ૨.૦ – કેચ ધી રેઇન’ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં દરેક ધારાસભ્યશ્રી પોતાના વિસ્તારમાં ૧૦ લાખની મર્યાદામાં એક એવા ચાર કામો જળ સંચય માટે સૂચવી શકશે. આ ઉપરાંત CSR ફંડ હેઠળ જળ સંચયના કામો કરવા માટે, રાજ્ય સરકાર ૮૦:૨૦ ની યોજના હેઠળ કામો કરવા રાજ્યની NGO ઔધોગિક ગૃહોને પ્રોત્સાહન આપે છે. રાજ્ય સરકાર દ્વારા બંધ પડેલ બોર/ટ્યુબવેલને પુન: જીવિત કરવા માટે પણ, ૯૦:૧૦ ની યોજના જાહેર કરવામાં આવેલ છે જેનાથી રાજ્યના ૮૦૦૦ જેટલા બંધ પડેલ બોર/ટ્યુબવેલને પુન: જીવિત કરવાનું આયોજન છે.
દેશમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ઘણું જ નીચે ઉતરી ગયેલું છે, અને ભૂગર્ભ જળના રીચાર્જ કરતા, પાણી ખેંચવાનું પ્રમાણ ઘણું વધારે છે, તેવા વિસ્તારો માટેની કેંદ્ર સરકારની ’અટલ ભૂજલ યોજના’ માં ગુજરાતના ૬ જીલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો. આ યોજનામાં કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં પાંચ જીલ્લા ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણનાં ૩૬ તાલુકાની ૧૮૭૩ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું છે.
તેમણે કહ્યું હતું કે નવેમ્બર-૨૦૨૪ સુધીમાં જળસંપત્તિ વિભાગના કુલ ૯૪,૮૪૪ ચેકડેમો અને રાજ્યના અન્ય વિભાગોના ૯૨,૫૫૭ ચેકડેમો મળીને,કુલ ૧,૮૭,૪૦૧ થી વધુ ચેકડેમોથી આશરે ૪,૫૫,૨૩૬ હેક્ટર વિસ્તારને સીધી અને આડકતરી રીતે સિંચાઈનો લાભ મળે છે. આમ, આવી મહત્ત્વકાંક્ષી યોજનાઓના પરિણામો, આજે આપણી સમક્ષ છે અને ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
જળસંપત્તિ પ્રભાગ હેઠળ કુલ ૧,૧૧૫ ડેમો તેમજ તેનું કેનાલ નેટવર્ક આવેલ છે. ગુજરાત સરકાર હયાત સિંચાઇ યોજનાની કાર્યક્ષમતામાં પણ વધારો થાય,અને સુચારૂ સિંચાઇ વહિવટ કરી શકાય, તે માટે પ્રયત્નશીલ છે. આ માટે ડેમ સેફટીના સદર માટે રૂ. ૫૦૧ કરોડની જોગવાઇ તથા હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકરણ માટે રૂ. ૧,૫૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલાં પરિવર્તન વિશે વાત કરતાં મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું કે અઢી દાયકા અગાઉ રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ટેન્કરરાજ, બેડા યુદ્ધ, દુષ્કાળ, લોકોનું સ્થળાંતર જેવી પીડાથી રાજ્યની જનતા ત્રાહિમામ હતી. આવા કપરા સમયે રાજ્યના ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિથી રાજ્ય સરકારે ત્રણ આયામી વ્યવસ્થા દ્વારા પીવાના પાણીના ક્ષેત્રે અભૂતપૂર્વ કામ શરૂ કર્યું હતું. જેને આગળ ધપાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પીવાના પાણીની વિવિધ યોજનાઓના ઝડપી અમલીકરણ માટે કટિબદ્ધ છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લાં ૨૩ વર્ષથી પીવાના પાણીના ક્ષેત્રમાં ખૂબ કામ થયાં છે. રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં ૨૦,૦૦૦ કરોડથી વધુ રકમના ખર્ચે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ થયું છે. જે થકી ૩૨૫૦ કી.મી.બલ્ક પાઇપલાઇનનું નિર્માણ કરાયું છે. આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના ૧૮,૧૫૨ પૈકી ૧૫,૬૮૭ ગામો તેમજ ૨૫૧ શહેરોને નર્મદા તથા અન્ય સરફેસ સ્રોતથી જોડ્યા છે. જેના દ્વારા સમગ્ર રાજ્યમાં ૩૭૨ જૂથ યોજનાઓ હેઠળના ૧૪૩૨ હેડ અને સબહેડવર્ક થકી ૪.૩૬ કરોડ લોકોને દૈનિક ૩૨૦૦ મિલિયન લીટર પાણી પૂરું પાડે છે. ચાલુ વર્ષે ૨૩ જૂથ યોજનાઓનાં કામો પૂર્ણ કર્યા છે, જેમાં ૮૦૪ ગામોનો સમાવેશ થયેલ છે.
રાજ્યના નાગરિકોને ગુણવત્તાવાળુ પાણી મળે તેના માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં પાણી ગુણવત્તાની ચકાસણી માટે રાજ્યકક્ષાએ–૧, જિલ્લા કક્ષાએ-૩૩ અને તાલુકા કક્ષાએ-૪૧ એમ NABL દ્વારા માન્યતા પ્રાપ્ત કુલ ૮૦ લેબોરેટરી છે. જેમાં ચાલુ વર્ષે કુલ ચાર લાખ પાણીના નમૂનાઓની ચકાસણી કરવામા આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
પાણી પુરવઠા વિભાગના ડિપોઝિટ વર્ક તરીકે શહેરી વિસ્તારની ભૂગર્ભગટર યોજનાઓ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં ૯૭ ભૂગર્ભ ગટર યોજનાઓ અને ૮૯ એસ.ટી.પી.નાં કામો પૂર્ણ કરાયાં છે, જ્યારે ૨૮ એસ.ટી.પી.નાં કામો પ્રગતિ હેઠળ છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે મંજૂર કરવામાં આવેલી વિવિધ યોજનાઓની વિગતો આપતાં શ્રી બાવળિયાએ જણાવ્યું કે જલજીવન મિશનના રાજ્ય ફાળા માટે રૂ. ૨૨૩૯.૦૮ કરોડ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂ. ૧૯૧૧.૯૦ કરોડ, નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂ. ૯૫૦.૦૦ કરોડ, ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપના માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
જ્યારે ચાલુ વર્ષે પાણી પુરવઠા વિભાગ દ્વારા સૂચવાયેલી નવી બાબતોની માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં પીવાના પાણીની ગુણવતા અને નિયમનને વધુ સુદૃઢ કરવા તાલુકા કક્ષાએ ૧૦ નવીન લેબોરેટરીઓની સ્થાપના કરવામાં આવશે. આ માટે નવીન મહેકમ તથા તથા નિયમિત સ્ટાફની ભરતી કરવામાં આવશે. જ્યારે આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની સુચારુ મરામત અને નિભાવણી થાય તે માટે પ્રોત્સાહન પુરસ્કારરૂપે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે પાણી પુરવઠા વિભાગના પમ્પિંગ સ્ટેશનોનો ખર્ચ ઘટાડવા ઉપલબ્ધ ખુલ્લી જગ્યા તેમજ સ્ટ્રક્ચરો પરની જગ્યાઓમાં સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઘરોમાં નળકનેક્શન મારફત પાણીની વ્યવસ્થા માટે માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવામાં આવેલ છે. આ ગ્રામ્ય પાણીપુરવઠા યોજનાઓનું સંચાલન અને જાળવણી ગ્રામપંચાયત/પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ માટે ગ્રામ પંચાયત પાણીવેરા પ્રોત્સાહક યોજના માટે રૂ. ૫૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને અનુરૂપ પાણી પુરવઠા પ્રભાગે વિકસિત ગુજરાત @૨૦૪૭ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી, રૂ. ૮૦૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
‘જલ જીવન મિશન’ – ‘હર ઘર જલ યોજના’ વિશે વાત કરતાં મંત્રી શ્રી બાવળિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દેશના મહત્તમ ઘરોમાં શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય, તે માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ‘હર ઘર જલ’યોજના જાહેર કરેલ છે અને ‘જલ જીવન મિશન’ હેઠળ ‘નલ સે જલ’ કાર્યક્રમ અતર્ગત ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ૯૧ લાખથી વધુ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટેના જોડાણ કરવાની કામગીરી પ્રગતિમાં છે તેમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની માહિતી આપતાં કહ્યું કે વલસાડ અને નવસારી જિલ્લાનાં ૩૯૫ ગામો અને એક શહેરનો સમાવેશ કરતી ‘દમણગંગા બલ્ક પાઇપલાઇન’ યોજના, દાહોદ અને મહીસાગર જિલ્લાના ૨૮૭ ગામોનો સમાવેશ કરતી ‘કડાણા બલ્ક પાઇપલાઇન’ યોજના, સુરત તથા નવસારી જિલ્લાના ૨૬૪ ગામ અને છ શહેરનો સમાવેશ કરતી ‘સુરત-નવસારી બલ્ક પાઇપલાઇન’ યોજના હાલ પ્રગતિ હેઠળ છે.
શ્રી બાવળિયાએ જણાવ્યું કે ડાંગ જિલ્લામાં પીવાના પાણીની જરૂરિયાત મુજ્બ ડેમ, તળાવ જેવાં રિલાયેબલ સરફેસ સોર્સ નથી પરિણામે, તાપી નદી આધારિત સરફેસ સોર્સ દ્વારા કાંકરાપાર વિયર આધારિત, ડાંગ જિલ્લાના આહવા, સુબીર તેમજ વઘઇ તાલુકાના કુલ ૨૭૬ ગામ તથા ૩ શહેરનો સમાવેશ કરતી, રૂ.૮૬૬ કરોડની ડાંગ જૂથ પાણી પુરવઠા યોજનાનું કુલ ત્રણ પેકેજમાં કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાંથી બે કામ પ્રગતિમાં છે તથા એક પેકેજનું કામ શરૂ કરવામાં આવનાર છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, બનાસકાંઠા જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત વાવ, થરાદ અને લાખાણી તાલુકાનાં ૧૨૧ ગામો માટે સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓ આયોજન હેઠળ છે. જ્યારે નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના ઢાંકી અને નાવડા આધારીત સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડની કેપેસીટી વધારવા માટે ઢાંકીથી નાવડા સુઘીની, ૫૦૦ એમ.એલ.ડી ક્ષમતાની, ૯૭ કિ.મી પાઇપલાઇનની કામગીરી, અંદાજીત રકમ રૂ.૧૦૪૪ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે. આ કામ પૂર્ણ થતાં મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૫૦૦ એમ.એલ.ડી દૈનિક પાણીનો વધુ જથ્થો ઉપલબ્ઘ બનશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આદિજાતિ વિસ્તારોનાં મહત્તમ ઘરોમાં નળ ઉપલબ્ધ બને તે આશયથી રાજ્યસરકાર દ્વારા હાલ ૪૬૧૬ ગામોને આવરી લેતી અંદાજિત કિંમત રૂ.૫૮૪૫ કરોડની ૧૦૪ યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, તેમજ ૨૫૬ ગામોને આવરી લેતી અંદાજિત કિંમત રૂ.૨૫૬ કરોડની ૭ યોજનાના કામો ટેન્ડરપ્રક્રિયા હેઠળ છે.
રાજ્યમાં ચાલુ વર્ષે કુલ ૧૩,૭૦૦ ઓપરેટરોને ગ્રામીણ પાણીપુરવઠાની મરામત અને નિભાવણી માટે તાલીમ આપી તમામને ટુલકીટ પણ ફાળવવામા આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું કે પાણી સંબંધિત કોઈ સમસ્યા હોય, તો ગ્રામ પંચાયત દ્વારા ૧૯૧૬ હેલ્પલાઇન નંબર પર કોલ કરી રજૂઆત કરવામાં આવે છે તથા રિપેરિંગ કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે પીવાના પાણીનું માળખુ યોગ્ય અને સક્ષમ રીતે ચાલે, તે સુનિશ્ચિતકરવા ફલોમીટરથી રિયલ ટાઇમ મીટરીંગ માટેના, પ્રોજેક્ટનુઅમલીકરણ હાથ ઘરવામાં આવેલ છે, જે માટે ગાંધીનગર ખાતે સેન્ટ્રલમોનીટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઇમ મોનીટરીંગ કરવા માટે કુલ ૨૨૬૩ સ્માર્ટ વોટર ફ્લોમીટર અને ૫૦૦ ઓનલાઇન કવોલીટી એનાલાઇઝર લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં ગટરનાં પાણીને શુદ્ધ કરી પુનઃ ઉપયોગમાં લેવા માટે-રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વૉટર માટેની નીતિ અંતર્ગત તા. ૨૮ મે, ૨૦૧૮ના રોજ ગટરનાં શુધ્ધિકરણ કરાયેલા પાણીના પુન:ઉપયોગ અંગેની નીતિ જાહેર કરવામા આવી છે. આ પાણીનો પીવા સિવાયના અન્ય હેતુ જેવા કે ઔદ્યોગિક વપરાશ, બાગ-બગીચા, બાંધકામ જેવા હેતુસર ઉપયોગ કરી શુધ્ધ પાણીનાજળસંસાધનો પરની નિર્ભરતા ઘટાડવાનો છે. આ માટે ૮૨૯ એમ.એલ.ડી. ના આઠ પ્રોજેક્ટ પૂર્ણ થયેલ છે. જ્યારે ૬૪૨ એમ.એલ.ડી. ક્ષમતાના પ્રોજેક્ટ પ્રગતિ/ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે તેમજ ૫૦ એમ.એલ.ડી. ની ક્ષમતાના પ્રોજેક્ટ આયોજન હેઠળ છે.
રાજ્યમાં દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી પીવાલાયક બનાવવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટસની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાનાં ગામોમાં પીવાના પાણીનો વૈકલ્પિક સોર્સ ઊભો કરવા ડિસેલિનેશન પ્લાન્ટની કામગીરી પ્રગતિમાં છે. જેમાં ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ૭ કરોડ લીટર, ગિરસોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ગામે ૩ કરોડ લીટર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંઘવી ગામે ૭ કરોડ લીટર અને કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ૧૦ કરોડ લિટર એમ કુલ ૨૭ કરોડ લીટર દૈનિક ક્ષમતાના આ પ્રોજેક્ટ પૂર્ણ થયે અછતની પરિસ્થિતિમાં પાણીની સુરક્ષાની બાબતમાં આ સરકારનું એક નિર્ણાયક કદમ છે.
રાજ્યમાં ૬૫૦૦ ગ્રામ પંચાયતોએ/ગામોએ વોટર ઓડીટનાં કામ પૂર્ણ કર્યા છે. આ જ પ્રકારે, પાણી પુરવઠા તંત્ર દ્વારા કુલ ૩૬૩ જૂથ યોજના હેઠળના ૨૦૦૦ હેડવર્કસ/ પાણી વિતરણનાં સ્થળોનું વોટર ઓડિટ પૂર્ણ કર્યા છે. આટલા મોટા પ્રમાણમાં વોટર ઓડીટની જાગૃતિ લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ મંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.
આમ, રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની કુલ રૂ. ૧૭,૩૬૪.૧૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.