(જી.એન.એસ),તા.૧૧
જુનાગઢ
વિસાવદર તાલુકાના મોણીયા ગામે દોઢેક માસ પૂર્વે ખેતીવાડી વીજ ફીડરના રિપેરિંગ દરમિયાન એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. જેમાં ફરજ પરના વીજકર્મીને કરંટ લાગતા તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની વીજ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જે હકીકત સામે આવી છે, તેના આધારે એક બેદરકાર ખેડૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ભેંસાણના પરબવાવડીમાં રહેતા અને વિસાવદર-2 પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ છગનભાઈ સાસીયા (ઉં.વ.32) 20 ઓક્ટોબર, 2025ના રોજ મોણીયા એજી ફીડરમાં ઓછા પાવરની ફરિયાદ મળતાં રિપેરિંગ માટે ગયા હતા. નિયમ મુજબ, વિસાવદર સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ કરાવી ચેતનભાઈએ લાઇનમેન સાથે મળીને ફીડર લાઇન બંધ હોવાની ખાતરી કરી હતી અને તેઓ ફોલ્ટ રિપેર કરવા માટે પોલ પર ચડ્યા હતા. રિપેરિંગ કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક વીજલાઈનમાં પાવર આવી જતા ચેતનભાઈને જોરદાર વીજ શોક લાગ્યો હતો અને તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. આ લાઇનનો પુરવઠો સત્તાવાર રીતે બંધ હોવા છતાં ક્યાંથી પાવર આવ્યો તે જાણવા માટે વીજ અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મોણીયા ગામના ખેડૂત રમેશ મેપા શ્યારાનું નામ સામે આવ્યું હતું.
વીજ અધિકારીઓએ કરેલી તપાસમાં બહાર આવ્યું કે, રમેશ મેપા શ્યારાએ પોતાના ખેતીવાડીના વીજ જોડાણમાં ગેરકાયદેસર રીતે ફેઝ ચેન્જર સ્વીચ લગાવી હતી. તેમણે આ સ્વીચના માધ્યમથી ખેતીવાડી ફીડરમાં જ્યોતિગ્રામ ફીડરનો પાવર જોડી દીધો હતો. જ્યોતિગ્રામનો પાવર આ રીતે ગેરકાયદેસર જોડાણ મારફતે મેઇન લાઇન સુધી પહોંચ્યો હતો, જેના કારણે બંધ પડેલી લાઈનમાં પાવર આવ્યો અને ફરજ પરના વીજ કર્મી ચેતનભાઈ સાસીયાને કરંટ લાગ્યો હતો. આ મામલે ડેપ્યુટી એન્જિનિયરે ખેડૂત રમેશ શ્યારાનું નિવેદન લેતા, તેણે પોતાના વીજ જોડાણમાં ઓટોમેટિક ફેઝ ચેન્જર સ્વીચ રાખીને જ્યોતિગ્રામનો વાયર જોડ્યાનું કબૂલ્યું હતું. આ ગંભીર બેદરકારીને કારણે પથારીવશ થયેલા વીજકર્મી ચેતનભાઈ સાસીયાએ આખરે મોણીયાના રમેશ મેપા શ્યારા વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ખેડૂત સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો 125(a) જેમાં માનવ જીવનને જોખમમાં મૂકતી કૃત્ય અને 287 મશીનરી અંગે બેદરકારી રાખવા મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

