મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક સંપન્ન


(જી.એન.એસ) તા. 5

ગાંધીનગર,

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પૂરતી નિવાસ સુવિધાઓના વિકાસની ચાલી રહેલી કામગીરીને વધુ ઝડપી અને આયોજનબદ્ધ કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ અંગે ફળદાયી ચર્ચા પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ એ ગુજરાત સરકાર દ્વારા સોસાયટી ઓફ રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૮૬૦ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ અન્વયે સ્થાપવામાં આવેલી એક સ્વાયત સંસ્થા છે.

આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ રૂપે એક રાષ્ટ્રીય સ્મારક નેશનલ મેમોરિયલ વિકસાવવાનો તથા સરદાર સાહેબની યાદમાં વિવિધ જનહિત પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે.

આ હેતુસર મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ૧૦ સભ્યોની ગવર્નિંગ બોડી રચવામાં આવેલી છે આ બોડીમાં મુખ્ય સચિવશ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષશ્રી ઉપરાંત નાણાં વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વન-પર્યાવરણ વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. સહિતના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, SOU પરિસરને વધુ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બનાવવા SOU પાસેના ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ, વોક-વે, હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ તથા પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકવા સહિતના આયોજનોની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અમિત અરોરાએ આ ગવર્નિંગ બોડીના બેઠકના કાર્ય એજન્ડાઓ તથા  SOUમાં હાથ ધરવામાં આવી રહેલા પ્રવાસન વિકાસ કામો સહિતના વિવિધ કામોની વિસ્તૃત વિગતો બેઠકમાં પ્રસ્તુત કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિભાવ અને જાળવણી માટે આવનારા દિવસોમાં ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા માટેનું વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની પણ બેઠકમાં વિચારણા થઈ હતી.

મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી મુકેશ પુરી, નાણા વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજ, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી થેન્નારસન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને માર્ગ-મકાન સચિવ શ્રી પ્રભાત પટેલીયા આ બેઠકમાં સહભાગી થયા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *