માવઠાંની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ; 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 1.4 ડિગ્રીનો વધારો


(જી.એન.એસ),તા.૨૯

અમદાવાદ

ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદના મારથી હજુ ખેડૂતો પગભર નથી થયા ત્યાં ડિસેમ્બરમાં એક સાથે બે માવઠાં પડવાની આગાહી કરાઈ છે. ગઈકાલે એકાએક બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં પાલનપુરમાં કેટલાક ભાગોમાં ધીમીધારે કમોસમી વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતાં થયા હતાં. આજે વહેલી સવારથી અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવાળી પર તૈયાર થયેલો મગફળી, ડાંગર સહિતનો પાક બગડી ગયાં બાદ હવે ભર શિયાળે માવઠાંની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં ખેતરમાં રહેલાં ઘઉં, ચણા, ધાણા, જીરું, તલ, એરંડા, રાયડો, દાડમ સહિત બાગાયતીના પાકોમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે. આગાહીકાર રમણિક વામજાએ જણાવ્યું હતું કે, માગશર મહિનાની અંદર 7થી 10 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવશે અને માવઠાં રૂપી વરસાદ થશે. બીજું માવઠું 23થી 28 ડિસેમ્બરના સમય વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશે. આ સમયમાં ગાઢ ધુમ્મસ અને વરસાદી ઝાપટારૂપી વરસાદ થશે. આ કમોસમી વરસાદથી ઘાસચારો બગડશે. વલસાડ જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અનુભવ થયો હતો. શહેરનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે શુક્રવારના 23 ડિગ્રી તાપમાન કરતાં 1 ડિગ્રી ઓછું છે. જિલ્લામાં સૌથી ઓછું તાપમાન ઉમરગામ તાલુકાનું 17 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ અને સૂર્યપ્રકાશના અભાવે ઠંડી વધુ અનુભવાઈ હતી. શહેરના રસ્તાઓ પર લોકો સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ કપડાં પહેરીને જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર પર ઠંડા પવનના સુસવાટા વચ્ચે, જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત જેવા ખેતીકાર્યોમાં વ્યસ્ત છે. ઠંડીની શરૂઆત સાથે ખેડૂતો આંબામાં આવનારી રોગ જીવાત ઉપર અંકુશ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાત્રિનું તાપમાન 22 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે. દિવસ દરમિયાન વલસાડ શહેરમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો રહેશે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. કમોસમી વરસાદ થાય તો શિયાળું પાક એરંડા, રાયડો, જીરું અને બાગાયતી દાડમ જેવા પાકોમાં નુકસાનની ભીતી ખેડૂતો સેવી રહ્યાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. હાલ પવનની દિશા દક્ષિણ પૂર્વથી પૂર્વની છે. હાલ તાપમાન સમાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. હાલ જે પવન ફૂંકાઈ રહ્યા છે તે ગરમ છે, જેથી તાપમાન વધ્યું છે. હવામાં આવતા ભેજના કારણે પણ તાપમાન ઊંચકાયું છે. બે દિવસ બાદ તાપમાન ફરી ધીરે-ધીરે ઘટશે. ફરી ઉત્તર પશ્ચિમી પવન શરૂ થશે અને તાપમાન ઘટશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *