(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
પંચેશ્વર મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ સંમેલનમાં બાળકો ધ્વારા સનાતન ધર્મને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્મો રજૂ થશે.
————————————————————————-
હિન્દુ સંમેલનમાં સફાઇ કામદાર ભાઇબહેનોનું વિશેષ સન્માન કરી સામાજિક સમરસતાનો બોધ કરાવાશે.

રાયસણ મેટ્રો સ્ટેશન સામે પંચેશ્વર તળાવના કિનારે આવેલ વિશાળ પંચેશ્વર મંદિરમાં આગામી શિવરાત્રિના દિવસે દિવ્ય શિવ આરાઘનાના વિવિધ કાર્યક્રમો દ્વારા મહાશિવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંદિર સમિતિ અને ભક્ત સમુદાય ધ્વારા શિવરાત્રીની ભક્તિમય ઉજવણીને સાકાર સ્વરુપ આપવા તડામાર તૈયારીઓ આરંભાઈ દેવાઇ છે. રાયસણનું પંચેશ્વર મંદિર તેની આધ્યાત્મિક અને રચનાત્મક સામાજીક પ્રવૃત્તિઓના કારણે સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આગામી ૧૫ ફેબ્રુઆરી, રવિવારે મહાશિવરાત્રિના રોજ પંચેશ્વરમંદિરમાં સવારે પાંચ વાગ્યાથી જ વિશેષ શિવપૂજાનો સુભારંભ થશે. સવારે છ વાગ્યાની મંગળા આરતી પછી તરત જ શેરડીનો રસ, દાડમનો રસ, મધુ , પંચામૃત જેવા દ્રવ્યોથી પંચેશ્વર મહાદેવની વિશેષ શાસ્ત્રોક્ત રીતે મહાઅભિષેક પૂજા કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૮ વાગે પંચેશ્વર મંદિરની યજ્ઞશાળામાં ભૂતભાવન ભગવાન આસુતોષ શિવજીને અતિપ્રિય એવા હોમાત્મક લઘુરુદ્રનો શુભારંભ થશે. શિવમહાપૂજા અને હોમાત્મક લઘુરુદ્રના મુખ્ય યજમાન પદે શ્રીમતી ગુંજનબેન રણછોડભાઇ પટેલે સેવાનો લાભ સ્વીકાર્યો છે. વિદ્વાન યજ્ઞાચાર્ય શ્રી દિપકભાઇ ભાવુપ્રસાદ પંડ્યા શિવ મહાપૂજા અને હોમાત્મક લઘુરુદ્ર કરાવશે. બપોરે બાર વાગ્યે હોમાત્મક લઘુરુદ્રમાં શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ થશે. તમામ દર્શનાર્થી શિવભક્તોને શિવજીને પ્રિય એવા શિવ પ્રસાદનું પ્રસાદ સ્વરુપે વિતરણ કરવામાં આવશે. ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા મંદિર સમિતિ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
શિવરાત્રિના દિવસે તમામ ભક્તજનોને ભગવાનને જલાભિંષેક અને શિવજીનાં અલૌકિક દર્શનનો લાભ મળે તે માટે તમામ ભક્તજનો પંચેશ્વર મંદિરમાં કતારબધ્ધ પ્રવેશ કરીને શિવજીને જળાભિષેક કરી શકે તે માટે મંદિરના યુવા કાર્યકરો અને વૃંદાવન બંગલો અને રાયસણ ગામના યુવક મંડળ ધ્વારા આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બપોરના વિરામ બાદ પંચેશ્વર મહાદેવમાં રંગબેરંગી પુષ્પોથી નયનરમ્ય રંગોળી અને ભગવાન શિવજીનો શૃંગાર કરવામાં આવશે. ભક્તજનો સાંજે ચાર વાગ્યાથી ભૂતભાવન ભગવાન સદાશિવનાં શૃંગાર દર્શનનો પણ કતારબધ્ધ રીતે લાભ લઇ શકશે.
પંચેશ્વર મંદિરના પટાંગણમાં રાત્રે ૮.૩૦ કલાકે હિન્દુ સંમેલન યોજાશે તેમાં વિશાળ સંખ્યામા સનાતન ધર્મપ્રેમી જનતા ભાગ લે તેવુ હિન્દુ સંમેલન આયોજન સમિતિ ધ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સંમેલનને સફળ બનાવવા સમિતિના સભ્યો જુદી જુદી સોસાયટીઓ અને રહેણાંકનો લોકસંપર્ક કરે છે ત્યારે ત્યાંના રહિશો ધ્વારા ધર્મ ઘ્વજાનું પૂજન કરી એક આધ્યાત્મિક આકર્ષણનું વાતાવરણ ખડું કરી દેતા હોય તેવું જોવા મળે છે. હિન્દુ સંમેલનમાં આ જ વિસ્તારનાં બાળકો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનાં થીમ ઉપર એકાંકી નાટક, વેશભૂષા ,નૃત્ય, વક્તૃત્વ જેવા નયનરમ્ય કાર્યક્રમો રજૂ કરશે. આ પ્રસંગે આ વિસ્તારમાં કામ કરતા સફાઈકર્મચારી બંધુઓનું વિશેષ સન્માન કરવામાં આવશે અને સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવશે.આ પ્રસંગે સમાજના જુદા જુદા વર્ગમાંથી આવનાર આગેવાનો હિન્દુ સંસ્કૃતિનાં જુદા જુદા પાસાં ઉજાગર કરતાં અને પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સ્વ બોધ, સામાજિક સમરસતા જેવા વિષયો પ્રત્યે આપણું શું દાયિત્વ છે તે વિશે મનનીય ઉદ્બોધન કરશે.
હિન્દુ સંમેલન પૂર્ણ થયા બાદ ઉપસ્થિત જનમેદની શ્રી રામ સખા મંડળ અને જુદી જુદી ભજન મંડળીઓના સાનિધ્યમાં શિવ ભજન થકી શિવ આરાધના કરશે અને રાત્રે બાર વાગ્યે પંચેશ્વર મહાદેવની મહા આરતી કરવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેર અને જિલ્લા માં પંચેશ્વર મંદિર,રાયસણ એક માત્ર એવું તીર્થધામ છે જ્યાં પંચેશ્વર મહાદેવ,અંબાજીમાતા, રાધાકૃષ્ણ ભગવાન, બાલકૃષ્ણ, રામજી મંદિર, દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરતા શ્રી મનેકામનાપૂર્ણ હનુમાનજી , શ્રી ગણપતિ મંદિર, શનિદેવ, બળિયાદેવ, શિતળા માતાનાં મંદિરો આવેલાં હોઇ દરરોજ નિયમિત રીતે હજારો ભક્તજનો પંચેશ્વર મંદિરમાં દર્શન લાભ લઇ ધન્યતા અનુભવે છે.વિશેષકરીને મનોકામનાપૂર્ણ હનુમાનજીનાં દર્શન કરવા મંગળવાર અને શનિવારે ભક્તોની લાંબી લાઇન લાગતી હોય છે. કહેવાય છે કે મનેકામનાપૂર્ણ હનુમાનજીની બાધા રાખનારા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોઇ ભક્તો બાધા આખડી છોડવા પણ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે.

