મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા – Gujarati GNS News


(G.N.S) Dt. 16

ગાંધીનગર,

  • ૨૬મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચાર વર્ષથી ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો
  • માહિતી વિભાગ ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વય દ્વારા રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે

માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગની વર્ષ ૨૦૨૬-૨૭ની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિભાગની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, માહિતી વિભાગ કદમાં રાજ્ય સરકારનો ખૂબ જ નાનો, પરંતુ વ્યાપક અને ગહન જવાબદારી નિભાવતો અત્યંત મહત્વપૂર્ણ વિભાગ છે. રાજ્ય સરકાર, માધ્યમો અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બનીને માહિતી વિભાગ સરકારની ઇમેજ બિલ્ડિંગનું વિશેષ કાર્ય કરી રહ્યો છે.

રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી માત્ર રાજ્ય પૂરતી સીમિત ન રહેતા દેશ-વિદેશ સુધી પહોંચે તે માટે આ વિભાગ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં અખબારી યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ બહુભાષી અભિગમને કારણે ગુજરાતના વિકાસ મોડલની આજે વિશ્વભરમાં બોલબાલા છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગૃહનું વિશેષ ધ્યાન દોરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે આયોજિત ૨૬મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચાર વર્ષથી ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. ચાલુ વર્ષે ૭૭મા પ્રજાસત્તાક દિને ‘સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોએ સતત ચોથીવાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અગાઉ ‘ક્લીન-ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ (૨૦૨૩), ‘ધોરડો’ (૨૦૨૪) અને ‘આનર્તપુરથી એકતાનગર’ (૨૦૨૫) જેવી થીમ દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે પોતાની સાંસ્કૃતિક અને વિકાસલક્ષી વિરાસતને ઉજાગર કરી છે.

લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોના હિતમાં સરકારની કટિબદ્ધતા દોહરાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માહિતી વિભાગ રાજ્યના પત્રકારોને ‘પ્રેસ એક્રેડિટેશન કાર્ડ’ દ્વારા માન્યતા આપે છે. આ એક્રેડિટેશન કાર્ડથી પત્રકારોને PMJAY યોજના, વિનામૂલ્યે બસ મુસાફરી જેવા અનેક લાભો મળે છે. આ ઉપરાંત પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજના પણ માહિતી વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પત્રકારના કુદરતી મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને રૂ. બે લાખ અને અકસ્માત મૃત્યુના કિસ્સામાં રૂ. ૧૦ લાખનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ છેવાડાના નાગરિકો સુધી પહોંચવા માટે આ વિભાગ દ્વારા ભવાઈ, લોકડાયરા અને શેરી નાટક જેવા પરંપરાગત માધ્યમોનો અસરકારક ઉપયોગ કરી રહ્યો છે. આ ઉપરાંત “ગુજરાતી ચલચિત્રો માટે પ્રોત્સાહન નીતિ-૨૦૧૯” અંતર્ગત આર્થિક સહાય અને પારિતોષિકો આપીને ગુજરાતી ફિલ્મો તથા કલાકારોને પણ માહિતી વિભાગ દ્વારા સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રોત્સાહનના પરિણામે જ “લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયાતે” જેવી ગુજરાતી ફિલ્મોએ રૂ. ૧૦૦ કરોડ જેટલી માતબર રકમની કમાણી કરી છે.

માહિતી વિભાગ દ્વારા પ્રસિદ્ધ થતું ગુજરાત સરકારનું મુખપત્ર ‘ગુજરાત પાક્ષિક’ સરકારના નિર્ણયો અને સાફલ્ય ગાથાઓને જન-જન સુધી પહોંચાડે છે. આ પ્રકાશન મહિનામાં બે વાર પ્રસિદ્ધ થઈને પ્રજા અને શાસન વચ્ચેના અંતરને ઘટાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ગુજરાત પાક્ષિકના વાચક વર્ગ સતત વધી રહ્યો છે. ખાસ કરીને યુવા વર્ગમાં પાક્ષિક ખૂબ જ પ્રચલિત બન્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અંતમાં મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલી રૂ. ૩૨૫ કરોડથી વધુની અંદાજપત્રીય માંગણીઓ આગામી સમયમાં ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વય દ્વારા રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ચર્ચાના અંતે માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *