બળવાખોર દળોએ બશર અલ-અસદ સરકારની હકાલપટ્ટી કર્યા પછી ભારતે સીરિયામાં ફસાયેલા તેના 75 નાગરિકોને બહાર કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, દમાસ્કસ અને બેરૂત સ્થિત દૂતાવાસોએ ત્યાંથી નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા પૂર્ણ કરી.
જમ્મુ–કાશ્મીરના 44 યાત્રાળુઓ
મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે આજે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ખાલી કરવામાં આવેલા લોકોમાં જમ્મુ અને કાશ્મીરના 44 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે, જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે. અહીંથી આ નાગરિકોને કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત લાવવામાં આવશે.
અમારું સંપૂર્ણ ધ્યાન પરિસ્થિતિ પર : વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. વિદેશ મંત્રાલયે કહ્યું, સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખશે.
દમાસ્કસમાં આખા શહેર અને તેના ઉપનગરોમાં રાતોરાત ભારે હવાઈ હુમલાઓ સંભળાયા. હયાત તહરિર અલ-શામ અથવા એચટીએસની આગેવાની હેઠળના બળવાખોર જૂથો કે જેમણે દમાસ્કસ પર કબજો મેળવ્યો છે તેના તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. ઈઝરાયેલે એમ પણ કહ્યું કે તે શંકાસ્પદ રાસાયણિક શસ્ત્રો અને ભારે શસ્ત્રો પર હુમલો કરી રહ્યું છે જેથી તેને ઉગ્રવાદીઓના હાથમાં ન આવે. એક રિપોર્ટ અનુસાર, અસદની હકાલપટ્ટી બાદથી ઈઝરાયેલે દેશભરમાં 300 થી વધુ હવાઈ હુમલાઓ કર્યા છે.