વિલંબ ફક્ત ઉદ્યોગમાં મંદી હોવાને કારણે નથી, કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી, જે ઉકેલાઈ ગઈ છે, એરફોર્સ ચીફની ચિંતા વ્યાજબી: HAL એમડી ડી કે સુનિલ
(જી.એન.એસ) તા. 12
નવી દિલ્હી,
ભારતીય વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ ફાઈટર જેટ્સ બનાવતી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ (HAL) પર ભડકી ગયા છે. એર ચીફ માર્શલે ફાઈટર જેટ તેજસ MK1A ની ડિલિવરીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને HAL પર વિશ્વાસ નથી.
ઈન્ડિયન એરફોર્સ ચીફે તેજસ માર્ક 1-Aને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે, ગુજરાત ફસ્ટ તે વીડિયોની જવાબદારી લેતું નથી. વાયુસેનાના વડાએ કહ્યું હતું કે અત્યારે મને HAL પર વિશ્વાસ નથી. મને 11 વિમાનોની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અહીં અમારી પાસે માત્ર 4 જ છે. આ કોઈ Mk1A નથી; આ ત્યારે જ થશે જ્યારે આ હથિયાર ફાયર થશે. નિષ્ફળતા એ કોઈ વિકલ્પ નથી.
બીજી તરફ, HAL એ હવે આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે. HAL ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડીકે સુનિલે કહ્યું કે હું કહેવા માંગુ છું કે વિમાનની ડિલિવરીમાં વિલંબ આળસ કે બેદરકારીને કારણે નથી. તેમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી, જેનું નિરાકરણ કરી લેવામાં આવ્યું છે. એર ચીફ માર્શલની ચિંતા વાજબી છે. HAL માં વિવિધ સ્તરે બેઠકો યોજાઈ છે અને ટૂંક સમયમાં વિમાનોની ડિલિવરી કરવામાં આવશે.